સિંહ (મ ટ)
આજે આપણે રાશિચક્રની પાંચમી સિંહ રાશિના ગુણધર્મનું વિશ્લેષણ કરશું. સિંહ રાશિમાં મ અને ટ આ બે અક્ષર આવે છે.
સિંહ રાશિના લોકોમાં જંગલના રાજા સિંહ જેવા ગુણ જોવા મળે છે. પ્રભાવશાળી મુખાકૃતિ, વિશાળ છાતી તથા પાતળી કમરવાળા આ લોકો મજબૂત અને બહાદૂર હોય છે.
તેઓ ઉગ્ર, કઠોર, નિર્ભય, સ્થિર તથા વિશાળ હૃદયવાળા હોય છે. તેઓને નેતૃત્ત્વ કરવું, આજ્ઞા આપવી, ન્યાય કરવો, દંડ કરવો વગેરે બાબત વધારે ગમતી હોય છે.
ક્ષત્રિય વર્ણ તથા લાલ રંગની અગ્નિત્વવાળી સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. હું કરીશ અથવા I will do it એ સિંહ રાશિનું સ્ટેટસ હોય છે. તેઓ એમ માને છે કે તેઓ જે કરી રહ્યા છે તે બરોબર જ છે.
ઊંચા લોકોની ઊંચી પસંદ એ બાબત સિંહ રાશિના લોકોના જીવનમાં જોવા મળતી હોય છે. તેમને સારી અને શ્રેષ્ઠ ચીજવસ્તુ પસંદ હોય છે. વિવિધ ક્ષેત્રના આગેવાન લોકો સાથે તેમના ઘણા સારા સંબંધ હોય છે.
સિંહ રાશિના લોકોનું જીવન એકંદરે સુખી હોય છે તથા તેમને જીવનસાથી પર અધિક પ્રેમ હોય છે. તેઓ સ્વમાની હોય છે તેથી જ્યારે તેમનું સ્વમાનભંગ કે અપમાન થાય ત્યારે તેમને ઘણો આઘાત લાગે છે. તેઓ બ્લડપ્રેશર તથા હાર્ટ એટેકના જલદી શિકાર બને છે.
તેમને સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન વધુ પસંદ હોય છે જેના કારણે ઘણીવાર લોહી વિકાર થાય છે.
સિંહ રાશિના લોકોને કોઈની લાચારી કે ગુલામી પસંદ નથી હોતી. તેમને નોકરી કરતા સ્વતંત્ર કામધંધો વધુ પસંદ હોય છે. તેઓ જે ક્ષેત્રમાં જાય તેમાં સૌથી વધુ મહેનત કરીને આગળ નીકળી જતા હોય છે.
આ લોકોને ઘરે બેસી રહેવાનું પસંદ નથી. દેશ-પરદેશમાં ફરતા રહેવું તથા નવી નવી જાણકારી મેળવતા રહેવાનું તેમને વધુ પસંદ હોય છે.
સિંહ રાશિના લોકોએ કંઈક લાગી જવું, ગરમ વસ્તુથી દાઝી જવું વગેરે બાબતોથી સંભાળવું. આ રાશિના લોકો સરકારી, અર્ધસરકારી અથવા કોઈ પણ પ્રકારની નોકરીમાં સારી પોઝિશન પર પહોંચે છે. રાજકારણ, પ્રશાસન, મિલિટરી કે પોલીસમાં તેઓ સારી પ્રગતિ કરે છે.
સિંહ રાશિના આ જનરલ ગુણધર્મ છે. આ રાશિના લાખો લોકો છે તો દરેકનું ભવિષ્ય એકસમાન નથી હોતું. દરેકના જન્મ સમયના ગ્રહયોગ અનુસાર સારૂં કે ખરાબ ફળ મળતું હોય છે. જન્મપત્રિકા જન્મ સમયનો એક એક્સ-રે અથવા નકશો છે, તેના પરથી દરેકના વ્યક્તિગત જીવનનો અંદાજ આવે છે.