અમદાવાદની સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં બંને પુસ્તકોનું વિમોચન કરાયું
૧ માર્ચે અમદાવાદમાં કૉલેબ અને નવભારત પુસ્તક પ્રકાશન દ્વારા બે રસપ્રદ પુસ્તકના વિમોચનનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા લેખક પ્રફુલ શાહના અનોખા પુસ્તક ‘ સવાયા ભારતરત્ન હરિસિંહ નલવા’ અને પત્રકાર અનિલ રાવલની નવલકથા ‘ખાખી મની’ વાંચક વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
વિદ્વાન લેખક અને ઇતિહાસકાર પદ્મશ્રી ડૉ. વિષ્ણુભાઈ પંડ્યાએ પ્રફુલ શાહના આ અનોખા પ્રયાસને બિરદાવતા ‘સવાયા ભારતરત્ન હરિસિંહ નલવા’ આપવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કથાનો નાયક હરિસિંહ નલવા આપણા ગૌરવશાળી ઈતિહાસનું એક એવું પાનું છે કે જે ખાસ ખોલાયું નથી કે જાણીતું નથી થયું. પ્રખ્યાત ફિલ્મ ‘ઉપકાર’ના લોકપ્રિય ગીત ‘મેરે દેશ કી ધરતી…’માં તેમનું નામ જરૂર આવે છે. પરંતુ તેઓ કોણ છે તે જાણવાનો ખાસ કોઈ પ્રયાસ થયો નથી. એ અસાધારણ વીરના અનન્ય પરાક્રમની આ ગાથા ઈતિહાસનું પુનઃ સ્મરણ છે. આપણાં ઈતિહાસનાં તમામ પાનાં આપણે સૌએ ફરી ઉખેળવાના છે, એવી લાગણી વિષ્ણુભાઈએ વ્યક્ત કરી હતી.
ઉમદા સર્જક મુકેશભાઈ સોજીત્રાએ અનિલ રાવલની નવલકથા ‘ખાખી મની’ને બિરદાવ્યું હતું. તેમણે આના કથાનક અને રહસ્યની પ્રશંસા કરી હતી.
લેખક પ્રફુલ શાહે કહ્યું હતું કે મને આશા નહિ, વિશ્વાસ છે કે મારા આ પુસ્તકને પણ સૌ વાચકમિત્રો પહેલાંની જેમ વધાવી લેશે.
પ્રફુલ શાહના પુસ્તક ‘કચ્છ ફાઈલ’ના નાયક વિપુલ વૈદ્ય તથા પીઢ પત્રકાર વિનીત શુક્લે બન્ને પુસ્તકોને આવકાર્યા હતા.
લેખક જીજ્ઞેશ અધ્યારુએ રસપ્રદ શૈલીમાં સંચાલન કર્યું હતું. કવયિત્રી નિશા પટેલ અને અભિનેતા હિતેશ રાવલ ઉપરાંત દેવદત્ત જાની, ગોપીરાવલ, વિરલ રાઠોડ,
ગુણવંત રાજ્યગુરુ, શૈલેન્દ્ર વાઘેલા અને પ્રકાશક કૃણાલ શાહ સહિતના મહાનુભાવોની હાજરીએ મહેફિલનું આકર્ષણ વધારી દીધું હતું.