પિતાના ભવાડા અને સંતાનોની આંખમિચોલી… ફિલ્મમાં મચાવે ધમાચકડી
કોઈ માને કે ન માને પણ લોકોના ભવાડા કે છાનગપતીયાની ચર્ચા કરવી બધાને ગમતી હોય છે. ના ના કરતા બધા લગ્નબાહ્ય સંબંધ ધરાવનારની ખણખોદ કરવામાં આનંદ અનુભવે છે. જોકે આવા ભવાડા કરનાર વ્યક્તિને જાણે નટબજાણિયાની જેમ સંતુલન જાળવવાની ભર મથામણ કરવી પડતી હોય છે. આજ વાતને કેન્દ્રમાં રાખતી ફિલ્મ જેઠાલાલના ભવાડા આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.
એક વાતની સ્પષ્ટતા… ફિલ્મ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ અને બબિતાનાં કિસ્સા પર આધારિત નથી. ફિલ્મના જેઠાલાલ એક પ્રતિષ્ઠિત અખબારના પત્રકાર છે.
વરસોનો અનુભવ હોવા છતાં જેઠાલાલ ન્યૂઝ લખવામાં લોચા કરતા રહે છે. લગ્નના સમાચારને મરણનોંધ બનાવી દે કે ચણાની દુકાનને ચણિયાની. જેઠાલાલની આવી ભૂલોને કારણે અખબારના તંત્રી ભારે ત્રસ્ત છે. દરમિયાન જેઠાલાલના જીવનમાં મુસીબતની સુનામી આવે છે. તેમની મતિ બહેર મારી જાય છે. આવા કપરા કાળમાં દીકરો પિતાની પડખે ઊભો રહે છે. અને તેને સાથ મળે છે તેની પ્રેમિકાનો. જે જેઠાલાલના બૉસની દીકરી છે.

અનેક મુસીબતોનો સામનો કરી રહેલા પત્રકાર જેઠાલાલ સામે એક નવી મુસીબત ખડી થાય છે. જેઠાલાલની દીકરો બૉસની દીકરીના પ્રેમમાં પડે છે. બિચારા જેઠાલાલ! હજુ એક મોરચે માંડ લડી રહેલા જેઠાલાલ સામે અનેક મોરચા મંડાય છે.
શું જેઠાલાલ આવી પડેલી મુસીબતોનો સામનો કરવાની સાથે બૉસને પણ રાજી રાખી શકશે?
ફિલ્મ ભલે ભવાડા પર આધારિત હોય પણ એમાં એક ગૂઢ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આપણે નજરે જોયેલી વાત પરથી બાંધેલો અંદાજ ખોટો પણ હોઈ શકે છે. કદાચ એને કારણે કોઈની જિંદગીમાં સુનામી પણ આવી શકે છે.
જિનિયસ એન્ટરટેઇન્મેંટ પ્રા. લિ. બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે અમિત કુમાર ગુપ્તા. નિલેશ મહેતા દિગ્દર્શિત ફિલ્મના કલાકારો છે જયદીપ શાહ, જસ્મીન, વિધિ શાહ, જીગ્નેશ મોદી, પૂર્વી શાહ, દર્શન માવાણી, સ્મિતા, કૌશિકા ગોસ્વામી, વિરાજ, હિતાંશી (હની), એન. કે. રાવલ, રિચા શાહ, નિકુંજ, પ્રિયંકા રાયઠઠ્ઠા, ખુશી રાયઠઠ્ઠા, ઝૂમ ઝૂમ (મંજુલા) અને બાળ કલાકાર સૌમ્ય માવાણી.