ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતાં એક દંપતિ નાયગાંવ જઈ રહ્યું હતું ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ પરના ખાડાને કારણે તેમની બાઇક લપસી અને એ સમયે ત્યાંથી પસાર થતું ડમ્પર તેમના પર ફરી વળ્યું હતું. બુધવારે બપોરે આ ઘટના બન્યા બાદ ડમ્પરના ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી હતી.
બાઇક સવાર નાસિર હુસેન શાહ (43) અને છાયા ખિલોરે અંધેરીમાં રહેતા હતા અને શૂટિંગ માટે નાયગાંવ જઈ રહ્યા હતાં. બપોરે લગભગ દોઢેક વાગ્યે તેમની બાઈક પર બોરિવલીના નેશનલ પાર્ક ફ્લાય ઓવર પહોંચ્યા ત્યારે પાણીથી ભરેલા ખાડો દેખાયો નહીં અને નાસિરે કાબુ ગુમાવતા બાઈક ઉથલી પડી. એ સમયે પાછળથી આવી રહેલા ડમ્પર નીચે બંને આવી ગયા હતા.
ડમ્પર ચાલકે પોલીસને જણાવ્યું કે બાઈક ખાડાને કારણે પડી હતી ડમ્પરનો ધક્કો લાગવાથી નહીં. જોકે પોલીસ ડ્રાઇવરની વાત સાચી છે કે નહીં એની તપાસ કરી રહી છે.
અકસ્માત બાદ દંપતિને કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ લઈ જવાયાં જ્યાં તેમને મૃત ઘોષિત કરાયા હતા.
દંપતિને છ વરસનો પુત્ર છે જે હાલ તેમના સંબંધીને ત્યાં રહે છે.