વર્લ્ડ નંબર વન સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે વરસનું ત્રીજું ગ્રૅન્ડ સ્લેમ વિંબલડન જીતી લીધું હતું. રવિવારે યોજાયેલી મેચમાં ઇટલીના મેટિયો બેરેટિનીને ત્રણ કલાક ત્રેવીસ મિનિટ ચાલેલી મેચમાં 6-7, 6-4, 6-4, 6-3થી હાર આપી હતી. આ એનો છઠ્ઠો વિંબલડન ખિતાબ છે. અત્યાર સુધીમાં એ વીસ ગ્રૅન્ડ સ્લેમ જીતી ચુક્યો છે. આ સાથે જોકોવિચે રોજર ફેડરર અને રાફેલ નાડાલના રેકૉર્ડની બરોબરી કરી છે.
શરૂઆતમાં બેરેટિનીએ કરેલી ભૂલો ભારે પડી હતી અને એનો લાભ ઉઠાવી જોકોવિચે એની સર્વિસ તોડી હતી. ત્યાર બાદ જોકોવિચે 5-2થી આગળ હતો ત્યારે બેરેટિનીએ સેટ પોઇન્ટ બચાવ્યો હતો. ઇટલીના ખેલાડીએ બ્રેક પોઇન્ટ લઈ મેચને ટાઇબ્રેકર તરફ વધારી. બેરેટિનીએ ટાઇબ્રેકરમાં શરૂઆતમાં 3-0થી આગળ હતો.
સાડા ત્રણ કલાક ચાલેલી મેન સિંગલ્સમાં માટિઓ બેરેટિનીએ પહેલા સેટમાં જોકોવિચને હેરાન કર્યો હતો. જોકોવિચ ફેવરિટ મનાતો હોવા છતાં, દમદાર અને વેગવાન સર્વિસને કારણે બેરેટિનીએ પહેલો સેટ એના નામે કર્યો હતો. ત્યાર બાદ રમાયેલા ત્રણ સેટમાં જોકોવિચના અનુભવ આગળ બેરેટિનીએ પીછેહઠ કરવી પડી. છેલ્લા સેટમાં પણ બેરેટિનીએ એની જોરદાર સર્વિસના ધૂમધડાકા ચાલુ રાખ્યા. પરંતુ આક્રમક અને ડ્રોપ શોટના જોરે જોકોવિચે મેચ એના નામે કરી.






