મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી વિજય ભાઈએ દર વર્ષે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિરથી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી.
મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીમાંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.
સમગ્ર રાજ્યમાં સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી સમાજના લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે વિશેષમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચારના પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
નર્મદાના જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા દર્શનનો લાભ લે તે જરૂરી છે તેવી તેમણે અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘરે બેઠા દર્શનનો લહાવો નગરજનો મેળવી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે.
આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર , ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન-અર્ચન માટે ઉપસ્થિત રહ્યા હતાં.