ભારતીય જનતા પક્ષે ઉત્તર મુંબઇ લોકસભા બેઠક માટે પિયુષ ગોયાલની પસંદગી કરી છે

ઉત્તર મુંબઈના ભાજપના સંસદ સભ્ય ગોપાલ શેટ્ટીને બદલે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને ટિકિટ આપવાની અધિકૃત જાહેરાત આજે પક્ષ દ્વારા કરવામાં આવી. આને પગલે ગોપાલ શેટ્ટીના સમર્થકોમાં આક્રોશ ફેલાયો હતો. ગોપાલ શેટ્ટીના કાર્યાલય પાસે ભેગા થયેલા સમર્થકોએ ભારે નારાબાજી કરી હતી. જોકે નારાજ ગોપાલ શેટ્ટી પ્રતિભાવ આપ્યા વિના ત્યાંથી રવાના થઈ ગયા હતા.

ઉત્તર મુંબઇ લોકસભા મતદાર સંઘના મતદારોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે તમામ પક્ષો ઉત્તર મુંબઇ માટે બહારના ઉમેદવારોને ટિકિટ આપતા હોય છે. ઉમેદવાર બહારનો હોવાથી આ વિસ્તારની સમસ્યાથી અજાણ હોય છે અને નાગરિકો સુવિધાથી વંચિત રહે છે. આ સીટ ભાજપ માટે સલામત ગણાતી હોવાથી બહારના ઉમેદવારોને અહીંની ટિકિટ અપાય છે.

જ્યારે જનતા વચ્ચે રહેતા સંસદ સભ્ય ગોપાલ શેટ્ટીની ટિકિટ રદ કરવામાં આવી છે. સંસદ સભ્ય બન્યા એ અગાઉ તેઓ કોર્પોરેટર અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા હોવાથી નાગરિકોની સમસ્યાથી સુપેરે પરિચિત છે. છેલ્લી બે ટર્મથી તેઓ ભારે બહુમતીથી ચૂંટાઈ આવે છે. એના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ આવી શકે છે. એટલું જ નહીં તેમણે બે વખત સંસદ રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. ઉત્તર મુંબઈમાં તેઓ ગાર્ડન કિંગ તરીકે વિખ્યાત છે.