મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે એકતા નગર ખાતે પહોંચીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરનું જળપૂજન કરી વધામણાં કર્યા હતા.
એકતા નગર: ગુજરાતની જળસમૃદ્ધિ અને વિકાસની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે ૪૫૫ ફૂટની સપાટીએ પહોંચતાં ગુજરાતમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. ડેમ રાષ્ટ્રને સમર્પિત થયા બાદ સાતમી વખત આ ઐતિહાસિક જળસ્તર પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે એકતા નગર ખાતે પહોંચીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા નીરનું જળપૂજન કરી વધામણાં કર્યા હતા.

સરદાર સરોવર નર્મદા ડેમ માત્ર ગુજરાતની જળ જરૂરિયાતો પૂરી કરતું માળખું નથી, પરંતુ રાજ્યની જળક્રાંતિ અને કૃષિક્રાંતિનું મુખ્ય આધારસ્તંભ બની રહ્યું છે. નર્મદા યોજનાના માધ્યમથી ૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો અને ૭ મહાનગરપાલિકાઓ, એટલે કે ગુજરાતની ચાર કરોડથી વધુ જનતાને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪, ૨૦૨૫ અને હવે ૨૦૨૬માં ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. ૧૩૮.૬૮ મીટરની સપાટીએ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ઘન મીટર છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે સમગ્ર નર્મદા બેસીનમાં ઉપલબ્ધ જળજથ્થાને ધ્યાનમાં લેતાં ગુજરાતને સામાન્ય વર્ષોમાં મળતા ૯ મિલિયન એકર-ફૂટની સરખામણીએ આશરે ૭.૯ મિલિયન એકર-ફૂટ પાણી ઉપલબ્ધ છે. તેથી ઉપલબ્ધ જળનો કરકસરપૂર્વક અને આયોજનબદ્ધ ઉપયોગ કરી દરેક ટીપાનો મહત્તમ સદુપયોગ કરવો સૌની સામૂહિક જવાબદારી છે.

ચાલુ જળવર્ષ દરમિયાન સુજલામ-સુફલામ યોજના હેઠળ ૨૦૧ એમસીએમ પાણીથી ૧,૦૨૮ તળાવો, જ્યારે સૌની યોજના હેઠળ ૨૮૮ એમસીએમ પાણીથી ૧૬૭ તળાવો, ૧,૦૧૪ ચેકડેમ અને ૪૫ ડેમ ભરવામાં આવ્યા છે.
આ રીતે નર્મદાનું છલકાતું જળ ગુજરાત માટે માત્ર કુદરતી સમૃદ્ધિ નહીં, પરંતુ પીવાના પાણી, સિંચાઈ અને સર્વાંગી વિકાસની આશાનું પ્રતીક બની રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજા વર્ષે જળપૂજન કરીને નર્મદા પ્રત્યેની આદરભરી પરંપરાને આગળ ધપાવી છે.





