મુંબઇ મહાપાલિકાએ ચોમાસા પૂર્વેના કામોના ભાગરૂપ નાળામાંથી ગાળ કાઢવાની સાથે રસ્તા પરના ખાડાની ફરી ભરણી કરવા જેવા બંને કામ માટેના ત્રીસ ટેન્ડર્સને મહાનગર પાલિકાના પ્રશાસક ડૉ. ઇકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે. તમામ ટેન્ડરોની કુલ કિંમત ૫૪૫ કરોડ રૂપિયા જેટલી છે.
ચોમસા પહેલાં નાળામાંનો ગાળ કાઢવાના કામની વાત કરીએ તો, મોટા નાળા માટે કુલ ૬ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જેની કિંમત લગભગ ૭૧ કરોડ રૂપિયા છે. નાના નાળા માટે કુલ ૯૧ કરોડ રૂપિયાના ૧૭ ટેન્ડરોને મંજૂરી અપાઈ છે. એમાં શહેર વિસ્તાર માટે બે, પૂર્વનાં ઉપનગર માટે છ તો પશ્ચિમના ઉપનગરો માટે નવ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. એટલે કે મોટા અને નાના નાળામાંનો ગાળ કાઢવા માટે લગભગ ૧૬૨ કરોડ રૂપિયાના પ્રસ્તાવને પ્રશાસકની માન્યતા મળી છે.
દરમિયાન, ચોમાસા પૂર્વેના રસ્તા પરના ખાડા પૂર્વ માટેના કામોના ભાગરૂપ ઝોન દીઠ એકના હિસાબે સાત ટેન્ડરને માન્યતા અપાઈ છે. જેની કુલ કિંમત ૩૮૩ કરોડ રૂપિયા જેટલી છે. ત્રણ વરસની સમાયવધી માટે કોન્ટ્રાકટરની નિમણૂંક કરવા માટે આ મંજૂરી આપવામાં આવી હોવાથી તુરંત વર્ક ઓર્ડર આપી તાત્કાલિક કામો શરૂ કરવામાં આવશે.
નાળામાંનો ગાળ કાઢવાની સાથે ખાડા ભરણીના પ્રસ્તાવ મંજૂર થયા હોવાથી બંને મહત્ત્વના કામો તાત્કાલિક શરુ કરી નિર્ધારિત સમયમાં પૂરા કરવાનું પ્રશાસન માટે શક્ય બનશે.