મુંબઈ મહાપાલિકાનો ગજબનો કારભાર, રાજકીય હેતુ સાધવા કર્યો લાખો રૂપિયાનો ખર્ચ
ભાજપ દ્વારા નિયુક્ત સભ્ય ભાલચંદ્ર શિરસાટના સ્થાયી સમિતિના સભ્યપદ વિરુદ્ધ ચાલી રહેલી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મુંબઇ મહાપાલિકાએ કારમી હાર ખમવી પડી છે. સુપ્રીમ કોર્ટે શિરસાટના સભ્ય પદને બહાલ રાખ્યું હતું. પરંતુ આ રાજકીય લડત માટે મુંબઇ મહાપાલિકાએ અધધ કહી શકાય એવો ૧.૦૪ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું આર ટી આઇ કાર્યકર્તા અનિલ ગલગલીને માહિતી અધિકાર કાયદા હેઠળ જાણવા મળ્યું હતું.
અનિલ ગલગલીએ મુંબઇ મહાનગર પાલિકાના લીગલ ડિપાર્ટમેન્ટ પાસે ભાજપ દ્વારા નિયુક્ત સભ્ય ભાલચંદ્ર શિરસાટના સ્થાયી સમિતિની સભ્યતાના વિરોધમાં કોર્ટમાં કરાયેલી અપીલના ખર્ચની વિગતો માગી હતી. એમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ માટે નિમાયેલા અને કાઉન્સિલરની સાથે તેમને ચૂકવાયેલી ફીની રકમની જાણકારી માગી હતી.
પાલિકાએ આપેલી જાણકારી મુજબ દેશના જાણીતા એડવોકેટ મુકુલ રોહતગીને ૧૭.૫૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાં. એમાં ૬.૫૦ લાખ રૂપિયા કોન્ફરન્સ માટે અને બે વખત સુનાવણીમાં ઉપસ્થિત રહેવા ૧૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
એડ. ધ્રુવ મહેતાને ૫.૫૦ લાખ રૂપિયા, સુકુમારનને ડ્રાફ્ટ, કોન્ફરન્સ, અરજી દાખલ કરવા માટે એક લાખ રૂપિયા તેમજ વધુ એક કોન્ફરન્સ અને સુનાવણી માટે એક લાખ રૂપિયા અને સુનાવણી માટે ૨.૨૬ લાખ ચૂકવ્યા હતા.ડ્રાફ્ટ અને કોન્ફરન્સ માટે વધારાના ૧.૧૦ લાખ અપાયા હતા.
હાઈ કોર્ટ માટે કર્યો ૭૬.૬૦ લાખનો ખર્ચ
નવ વખત ઉપસ્થિત રહેવા માટે કાઉન્સિલ જોએલ કર્લોસને ૩.૮૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા.જ્યારે ડ્રાફ્ટિંગ માટે કાઉન્સિલ આપી ચીનોયને ૭.૫૦ લાખ રૂપિયા અને કાઉન્સિલ એ. વાય. સાખરેને ૪૦ હજાર કોન્ફરન્સ માટે અપાયા. સાખરેને છ વાર સુનાવણી માટે ઉપસ્થિત રહેવા માટે ઉપસ્થિત રહેવા માટે ૧૪.૫૦ લાખ આપવામાં આવ્યા.કાઉન્સિલ અસ્પી ચીનોય સાતવાર સુનાવણી માટે હાઈ કોર્ટ માં ઉપસ્થિત રહ્યા હતા. એ માટે સુનાવણી દીઠ ૭.૫૦ લાખના હિસાબે ૫૨.૫૦ લાખ આપવામાં આવ્યા. કાઉન્સિલ આર. એમ. કદમને એક સુનાવણી માટે પાંચ લાખ રૂપિયા અપાયા હતા.
અત્યાર સુધી જ્યારે પણ પાલિકાએ કોર્ટનો આશરો લીધો છે ત્યારે મહાપાલિકાની તિજોરી પર એનો ભાર પડે છે. ૧.૦૪ કરોડ રૂપિયા જનતા પાસે કાર રૂપે વસુલ્યા છે અને એનો વ્યવહારુ પણે ખર્ચ કરવા માટે સંબંધિતો માટેની જવાબદારી નક્કી કરવી આવશ્યક હોવાનું અનિલ ગલગલીએ જણાવ્યું હતું.






