કોરોનાને લગભગ એક મહિનો લડત આપ્યા બાદ ભારતના વિખ્યાત દોડવીર અને ફ્લાઇંગ સિખ તરીકે જાણીતા મિલ્ખા સિંહનું આજે અવસાન થયું હોવાની જાણકારી પરિવારના પ્રવક્તાએ આપી હતી. મિલ્ખા સિંહને બે દિવસ પહેલાં જ પીજીઆઈ ચંડીગઢના કોરોનાના પ્રાઇવેટ વૉર્ડમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ ગુરૂવારે રાત્રે તેમની તબિયત લથડી હતી.
મિલ્ખા સિંહની તબિયત શુક્રવારે સાંજે કોવિડ-19 બાદ સર્જાયેલી જટિલતાને કારણે લથડી હતી. જેમાં તાવ આવવાની સાથે ઑક્સિજન લેવલ ઘટી ગયું હતું.

મહિનાપૂર્વે કોવિડ-19થી સંક્રમિત થયેલા મિલ્ખા સિંહનો ટેસ્ટ નેગેટિવ આવતા તેમને કોવિડ આઇસીયુથી જનરલ આઇસીયુમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ તેમના પર ચાંપતી નજર રાખી રહી હતી. મિલ્ખા સિંહને ગુરૂવારે રાત્રે તાવ આવ્યો અને તેમનું ઑક્સિજનનું લેવલ ઘટી ગયું હતું. જોકે એ અગાઉ તેમની તબિયત સ્થિર હતી. ગયા મહિને મિલ્ખા સિંહ કોરોના પોઝિટિવ થયા હતા.
તેમનાં પત્ની અને ભારતીય વૉલીબૉલ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું રવિવારે કોવિડ-19ને કારણે મોહોલીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું.


મિલ્ખા સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર દુખ વ્યક્ત કર્યુ હતું. ટ્વીટર પર નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. અસંખ્ય ભારતીયોના દિલમાં તેમના માટે ખાસ સ્થાન હતું. તેમના વ્યક્તિત્વએ લાખો લોકોના માનીતા બનાવી દીધા. તેમના નિધનને કારણે દુખી છું.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, મેં થોડા દિવસ અગાઉ તેમની સાથે વાત કરી હતી. મને ખબર નહીં કે આ અમારી છેલ્લી વાતચીત હશે. અનેક નવોદિત એથ્લિટ તેમની જીવન યાત્રાથી પ્રેરણા લેશે. તેમના પરિવાર અને દુનિયાભરના તેમના ચાહકો પ્રત્યે મારી સંવેદના.
અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહ 1960માં રોમ ખાતે યોજાયેલી ઓલિમ્પિકની 400 મીટરની દોડની ફાઇનલમાં ચોથા સ્થાન પર રહ્યા હતા.
મિલ્ખા સિંહ જે સ્થાન પર પહોંચ્યા એ માટે તેમણે કરેલો સંઘર્ષ દેશના અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત જેવો છે. 2013માં મિલ્ખા સિંહે તેમની આત્મકથા ધ રેસ ઑફ માય લાઇફ પ્રસિદ્ધ કરી હતી. તેમના જીવન પર આધારિત ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ પણ બની અને એને બૉક્સ ઑફિસ પર જબ્બર આવકાર મળ્યો હતો. ફિલ્મની કમાણીનો અડધો હિસ્સો મિલ્ખા સિંહ ચેરિટેબલ ટ્રસ્ટને અપાયો હતો.