પાકિસ્તાન જે મંચનો ભારત વિરુદ્ધ દુરુપયોગ કરે છે, ત્યાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા એપિસોડનું લાઇવ પ્રસારણ થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાતના સોમા એપિસોડને સંબોધિત કરવાના છે એને માંડ થોડા કલાકો બાકી રહ્યા છે. ભાજપ મની કી બાતને એક મોટી ઇવેન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને દેશ-દુનિયામાં ચાર લાખ સ્થળે મન કી બાતનું પ્રસારણ કરાવશે.
દેશ માટે ગર્વની વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દર મહિને પ્રસારિત થતા રેડિયો કાર્યક્રમ મન કી બાતનો સોમા એપિસોડનું પ્રસારણ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સીધું પ્રસારણ કરાશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર થઈ જાઓ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના સોમા એપિસોડનું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં 30 એપ્રિલે સીધું પ્રસારણ કરવામાં આવશે.
મજાની વાત એ છે કે પાકિસ્તાન જે મંચનો ભારત વિરુદ્ધ દુરુપયોગ કરે છે, ત્યાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા એપિસોડનું લાઇવ પ્રસારણ થશે.

વડા પ્રધાનના મન કી બાતના પહેલા એપિસોડનું પ્રસારણ 3 ઓક્ટોબર, 2014ના વિજયાદસમીના શુભ અવસરે પ્રસારિત કરવામાં આવ્યો હતો. તો એપ્રિલ 2015થ4 મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થઈ રહ્યો છે. 30 મિનિટના આ કાર્યક્રમનો સોમો એપિસોડ 30 એપ્રિલે ભારતીય સમયાનુસાર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે. મન કી બાતનો પહેલો એપિસોડ 14 મિનિટનો હતો. જ્યારે બીજો એપિસોડ 19 મિનિટ અને ત્રીજો એપિસોડ 26 મિનિટનો હતો. ચોથા એપિસોડ બાદ દરેક એપિસોડની સમયાવધિ 30 મિનિટની છે.
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ દુષ્યંત ગૌતમના જણાવ્યા મુજબ પક્ષ વિદેશો સહિત લગભગ ચાર લાખ સ્થળે વડા પ્રધાનનું સંબોધન લોકો સાંભળી શકે એ માટેની વ્યવસ્થા કરી છે. પક્ષના તમામ સંસદ સભ્યો, વિધાનસભ્યો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ આઉટરીચ કાર્યક્રમનો હિસ્સો હશે. પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડા મન કી બાતને ઐતિહાસિક સફળતા મળે એ માટેની કવાયત પર દેખરેખ રાખી રહ્યા છે. મન કી બાતના સોમા એપિસોડ માટે ભાજપના દરેક નેતાને જવાબદારી સોંપવામાં આવી છે.

દુષ્યંત ગૌતમે જણાવ્યું કે સત્તામાં આવ્યાના થોડા મહિના બાદ ઓક્ટોબર 2014માં શરૂ થયોલા મન કી બાત બાવન જેટલી ભારતીય ભાષાઓ અને 11 વિદેશી ભાષામાં પ્રસારિત કરવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશન (IIMC) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ 76 ટકા ભારતીય મીડાકર્મીઓનું માનવું છે કે મન કી બાતે ભારતીયોને ભારતનો પરિચય કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તો લગભગ 75 ટકા લોકોનું કહેવું છે કે એમાં એવી વ્યક્તિઓનો પરિચય કરાવવામાં આવે છે, જે સામાન્ય લોકોના જીવનમાં સાર્થક બદલાવ લાવવા માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છે. વડા પ્રધાન મન કી બાત કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 700થી વધુ વ્યક્તિઓ અને લગભગ 300 સંગઠનોનો ઉલ્લેખ કરી ચુક્યા છે. એક સર્વે મુજબ સોમા એપિસોડ પહેલાં જ દર્શકોની સંખ્યા સો કરોડ કરતા વધુ પર પહોંચી છે.






