મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતના સૌથી મોટા ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ‘ આવનારા સમયમાં અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ કેન્દ્ર બનશે.
ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પણ પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસને વેગવંતો બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્યપ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.
નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો એ સાકાર થયો છે એમ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે એવો વિશ્વાસ પણ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.
મુખ્ય પ્રધાને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લૉન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ ઍપનું પણ લૉન્ચિંગ કર્યું હતું.
આ અવસરે માર્ગ અને મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અનેક પ્રકલ્પોનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને પ્રારંભ કરાવીને યાત્રિકોને ભેટ આપી છે.
નરેન્દ્ર મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ જે શ્રી પ૧ શક્તિપીઠનું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે એમ પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, ભારત યાત્રાઓનો દેશ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશભરના દરેક યાત્રા ધામનો વિકાસ કરી રહી છે.
રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિમાં ફેરવવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે એમ પૂર્ણેશ મોદીએ અંતમાં જણાવ્યું હતું.
આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ રાજ્ય કક્ષાના પ્રધાન અરવિંદભાઈ રૈયાણી, સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, મુખ્ય પ્રધાનના અગ્ર મુખ્ય સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હરિત શુક્લા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.