ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, બેલબૉટમ બાદ તાજેતરમાં છત્રપતિની રીમેકનું મુહૂર્ત કરનાર બૉલિવુડના અગ્રણી નિર્માતા-વિતરક ડૉ. જયંતિલાલ ગડાની તબિયત તેમની ઑફિસમાં હતા ત્યારે અચાનક બગડતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમનું હૃદય બરોબર કામ કરતું ન હોવાથી પેસમેકર બેસાડવામાં આવ્યું હતું.
એક અંગ્રેજી અખબારની વેબસાઇટ પર આવેલા એસ્ક્લુઝિવ ન્યુઝમાં જણાવાયું હતું કે, જયંતિલાલ ગડા તેમની જુહૂસ્થિત હોસ્પિટલમાં પડી ગયા હતા. જોકે તેમના પુત્ર ધવલે આ વાતને રદિયો આપતા જણાવ્યું હતું કે તેઓ પડ્યા નહોતા. હા, થોડા દિવસ અગાઉ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ડૉક્ટરે પેસમેકર બેસાડ્યું છે. હવે તેમની તબિયત સારી છે અને હોસ્પિયલમાંથી રજા અપાઈ છે.
આજે (મંગળવારે) મોડી સાંજે જયંતિલાલ ગડાએ પેન ઇન્ડિયા લિમિટેડના અધિકૃત ટ્વીટર અકાઉન્ટ પર એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે તેમના પર જટિલ સર્જરી કરવામાં આવી હતી પણ હવે એકદમ તંદુરસ્ત છે. એ સાથે તમામ શુભેચ્છકોનો આભાર માન્યો હતો.