ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇસરો જુલાઈના ત્રીજા અઠવાડિયે ચંદ્રયાન-3ને લૉન્ચ કરશે. આજે ઇસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન લૉન્ચ કરાશે. જો ચંદ્રયાન-3નું લૉન્ચિંગ સફળ રહ્યું તો ભારત આમ કરનારો ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાના સ્પેસક્રાફ્ટ ઉતારી ચુક્યા છે.
ચંદ્રયાન-2 મિશનને 22 જુલાઈ, 2019ના લૉન્ચ કરાયું હતું. લગભગ બે મહિના બાદ 7 સપ્ટેમ્બર, 2019ના ચંદ્નના સાઉથ પોલ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલા વિક્રમ લેન્ડર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. એ સાથે ચંદ્રયાનનું 47 દિવસની સફર પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ ભારતે ચંદ્રયાન-3 મિશનની તૈયારી શરૂ કરી રહ્યું છે.
ચંદ્રયાન મિશન અંતર્ગત ઇસરો ચંદ્રનો અભ્યાસ કરવા માગે છે. ભારતે પહેલીવાર 2008માં ચંદ્રયાન-1નું સફળ લૉન્ચિંગ કર્યું હતું. ત્યાર બાદ 2019માં ચંદ્રયાન-2ના લૉન્ચિંગમાં નિષ્ફળતા મળી હતી. હવે ચંદ્રયાન-3 લૉન્ચ કરી ઇતિહાસ રચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચંદ્રયાન-3નું લૉન્ચિંગ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે. ચંદ્રયાન-3ના ત્રણ હિસ્સા – પ્રોપલ્શન મૉડ્યુલ, લેન્ડર મૉડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. એને ટેક્નિકલ ભાષામાં મૉડ્યુલ કહે છે.
મિશન સફળ બનાવવા અનેક સફળ ટેસ્ટિંંગ કરાયા
ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. આ મિશનને સફળ બનાવવા માટે એમાં વધારાના અનેક સેન્સર્સ જોડવામાં આવ્યા છે. એની ઝડપ માપવા માટે એમાં લેઝર ડૉપલર વેલોસીમીટર સિસ્ટમ બેસાડવામાં આવ્યું છે.
ચંદ્રયાન-3 મિશનના લૉન્ચિંગ વ્હીકલના ક્રાયોજેનિકના ઉપરના હિસ્સાને વેગ આપનારા સીઈ-20 ક્રાયોજનિક એન્જિનના ઉડાન સમયના ટેમ્પરેચર ટેસ્ટિંગમાં સફળ રહ્યું હતું. આ અગાઉ લેન્ડરનું એક ટેસ્ટિંગ ઈએમઆઈ/ઈએમસી પણ સફળતાપૂર્વક કરાયું હતું.
જીએસએલવી એમકે-3થી ચંદ્રયાન લૉન્ચ કરાશે
ચંદ્રયાન-3 મિશનને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જિયોસિન્ક્રોનેસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (જીએસએલવી) એમકે-3થી લૉન્ચ કરાશે. આ ત્રણ સ્ટેજવાળા લૉન્ચ વેહિકલ છે, જેનું નિર્માણ ઇસરો દ્વારા કરવામાં આવ્યું છે. દેશના સૌથી હેવી લૉન્ચ વેહીકલને બાહુબલી નામથી પણ ઓળખાય છે.
ચંદ્રયાન-3 મિશન સાથે અનેક પ્રકારના વૈજ્ઞાનિક ઉપકરણો મોકલવામાં આવશે, જેથી લેન્ડિંગ સાઇટની આસપાસની જગ્યાએ ચંદ્રની ખડકાળ સપાટીની, ચંદ્ર પર આવતા ધરતીકંપ અને ચંદ્રની સપાટીની મૌલિક રચનાની થર્મલ-ફિઝિકલ પ્રોપર્ટીઝની જાણકારી મેળવવામાં સહાયરૂપ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2024માં ગગનયાન મિશન દ્વારા ભારત પહેલીવાર માનવને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.