Table of Contents
જલંધરની ૨૦ વર્ષની રચેલ ગુપ્તાએ પ્રતિષ્ઠિત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ ૨૦૨૪નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૭૦ દેશોના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે બ્યૂટી પેજેન્ટનો તાજ પોતાના નામે કર્યો છે. મહત્વની વાત એ છે કે રચેલે ગ્રાન્ડ પેજેન્ટ ચોઈસ એવોર્ડ પણ જીત્યો છે. આ અંગે રચેલે પોતાના ઇન્સ્ટાગ્રામ જણાવ્યું હતું કે, અમે કરી બતાવ્યું! અમે ભારતીય ઇતિહાસમાં પહેલીવાર આ સોનેરી તાજ જીત્યો છે. મારામાં વિશ્વાસ મુકનાર દરેકની હું આભારી છું. એ સાથે વચન આપું છું કે હું તમને નિઃરાશ નહીં કરું.. હું એક એવી ક્વીન બનવા માગું છું કે જેનું સામ્રાજ્ય તમે હંમેશા યાદ રાખશો.
સ્પર્ધાના આયોજકોએ પણ સોશિયલ મીડિયા પર આ જીતની ઉજવણી કરી હતી. આયોજકોએ રચેલના વખાણ કરતાં લખ્યું હતું, રચેલમાં સુંદરતા, સ્વાણ્યની સાથે કુશળતા પણ છે. અમે આશા રાખીએ કે ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરે. રચેલ ગુપ્તા આ પહેલાં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે અનેક સફળતા મેળવી ચૂકી છે. ૨૦૨૨માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઓગસ્ટ ૨૦૨૪માં મિસ ગ્રાન્ડ ઇન્ડિયા જીત્યા પછી તે ઇન્ટરનેશનલ પેજેન્ટ માટે ગઈ હતી.
૨૦૨૨માં પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીત્યા બાદ કહ્યું હતું,, હું સમજું છું કે અનેક મહિલાઓ તેમનાં સપના સાકાર કરવામાં ખચકાટ અનુભવે છે. કદાચ સમાજ પરવાનગી નથી આપતો કે તેમનાં પર જવાબદારીનું લિસ્ટ પકડાવી દેવાય છે. તો તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોવાનું પણ જોવા મળ્યું છે. આશા છે કે મારી સફર તેમને સપના સાકાર કરવાની પ્રેરણા મળે અને બંધનની સાંકળો તોડીને પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરે.