મલાડ પૂર્વ વેપારી એસોસિયેશનના વેક્સિનેશન કેમ્પને મળ્યો અદભુત પ્રતિસાદ
મલાડ પૂર્વ વેપારી એસોસિયેશન અને અમેરીકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કોવિશિલ્ડ વેક્સિન કેમ્પમાં બે દિવસમાં 1620 નાગરિકોએ વેક્સિનનો લાભ લીધો હતો. જેમાં 18 થી 44 વર્ષના 1281 નાગરિકોનો સમાવેશ થાય છે. આ વય જૂથમાં વિદ્યાર્થીઓ અને નોકરી – ધંધે જતાં લોકોનો સમાવેશ થાય છે. પહેલાં દિવસે 780 અને બીજા દિવસે 840 લોકોને વેક્સિન અપાઈ હતી.
આ સમગ્ર શિબિરનું આયોજન જનતા વેફર કમ્પાઉન્ડમાં કરાયું હતું. અમેરીકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન અને મલાડ પૂર્વ વેપારી એસોસિયેશનની આ શિબિર યોજવામાં આનંદ એહલાટનું મહત્વનું યોગદાન હતું. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સ દ્વારા વેક્સિન આપવામાં આવી હતી. સંસ્થાના અધ્યક્ષ જનક ખખ્ખર, રામદાસભાઈ, રાજીવ શુક્લા તેમ જ જીતુભાઈ ખખ્ખર દ્વારા આ શિબિરના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. વેપારી વર્ગ દ્વારા યોજવામાં આવેલા સમાજલક્ષી કાર્યક્રમનો તમામ વર્ગના નાગરિકોએ લાભ લીધો હતો. હવે પછી ટૂંક સમયમાં મેડિકલ કેમ્પ, આઇ કેમ્પનું આયોજન કરવામાં આવશે. બે દિવસના વેક્સિન કેમ્પની સફળતા દર્શાવે છે કે હજી ઘણા નાગરિકોએ વેક્સિન લીધું નથી તેથી સરકારે આ દિશામાં પગલાં લેવા જોઈએ તેમ જ અન્ય સંસ્થાઓ એ પણ નૈતિક જવાબદારી સ્વીકારી આવી શિબિરનું આયોજન કરવું જોઈએ તેમ અહી વેક્સિન લેવા આવેલા નાગરિકોએ જણાવ્યું હતું.