અમેરિકા સ્થિત ટ્રાઇટન ઇલેક્ટ્રિક વેહિકલ્સે ગુજરાત સરકાર સાથે કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિક કમર્શિયલ વેહિકલ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે 10,800 કરોડ રૂપિયાના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
કંપની શરૂઆતમાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભુજમાં 645 એકર જમીન પર સુવિધા સ્થાપવા 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાં વરસે 50 હજાર ટ્રકનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે.
ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીના સ્થાપક અને સીઈઓ હિમાંશુ પટેલ અને એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગ અને ખાણ વિભાગ) ડૉ. રાજીવ ગુપ્તાએ એમઓયુ પર સહી કરી હતી.
પ્રસ્તાવિત પ્લાન્ટમાં ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શૉપ, ચેસિસ સબ-એસેમ્બ્લિંગ, ક્વૉલિટી કન્ટ્રોલ અને ટેસ્ટિંગ લેબોરેટરીની પણ સુવિધા હશે.
યુએસએમાં કંપની ઇલેક્ટ્રિક સેમિ-ટ્રક, એસયુવી, ઇલેક્ટ્રિક સીડાન, ઇલેક્ટ્રિકરિક્ષા અને ડિફેન્સ ઇલેક્ટ્રિક વેહિકલનું ઉત્પાદન કરે છે.
Comments 1