મનસુખ હિરેન હત્યા મામલે એનઆઈએએ ગુરુવારે સવારે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની તેમના અંધેરીના ઘરે દરોડો પાડ્યા બાદ બપોરે ધરપકડ કરી હતી. એન્ટિલિયા બહાર મળી આવેલા સ્ફોટકના મામલાની સાથે મનસુખ હિરેનની થયેલી હત્યાના કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પ્રદીપ શર્માના ઘરે આજે સવારે દરોડો પાડ્યો હતો. ત્યારથી જ ચર્ચાઈ રહ્યું હતું કે પ્રદીપ શર્માની ધરપકડ થઈ શકે છે. આખરે બપોરે પ્રદીપ શર્માની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટમાં હાજર કરવા પૂર્વે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. મનસુખ હિરેન હત્યા મામલે સચિન વાઝે બાદ મુંબઈ પોલીસના બીજા મોટા અધિકારીની ધરપકડ થઈ છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે સ્કોર્પિયો કારમાં પોલીસને જિલેટિન સ્ટિક મળી આવી હતી. સ્કોર્પિયો બિઝનેસમેન મનસુખ હિરેનની માલિકીની હતી. એની પૂછપરછ ચાલી રહી હતી ત્યાં મનસુખ હિરેનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. આ મામલે એનઆઈએ દ્વારા કરાયેલી તપાસમાં મનસુખ હિરેનની હત્યા થઈ હોવાનું અને એમાં સચિન વાઝે સહિત મુંબઈ પોલીસના બે અધિકારી અને એક બુકીનો હાથ હોવાનું જાણવા મળ્યું. આને પગલે એનઆઈએએ તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મનસુખ હિરેન મામલે થયેલી આ મોટી કાર્યવાહી છે.

પ્રદીપ શર્માએ શિવસેનામાં પ્રવેશ કર્યો એ સમયની તસવીર
આ અગાઉ પણ એનઆઈએએ પ્રદીપ શર્માની સઘન પૂછપરછ કરી હતી. સચિન વાઝેની ધરપકડ થયા બાદ 7-8 એપ્રિલે એનઆઈએએ પ્રદીપ શર્માની કલાકો સુધી પૂછપરછ કરી હતી. એ સમયે શર્માના જૂના સાથી સચિન વાઝેને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યો હતો. એ સમયે જ પ્રદીપ શર્માની ધરપકડ થશે એવી અટકળો વહેતી થઈ હતી પણ ત્યારે ધરપકડ કરવામાં આવી નહોતી. પરંતુ ગુરુવારે પ્રદીપ શર્માના ઘર દરોડો પાડ્યા બાદ બપોરે એનઆઈએએ એની ધરપકડ કરી હતી.
પ્રદીપ શર્મા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે એની સામે શંકાની સોઈ તકાશે એ અપેક્ષિત હતું. કારણ બ્રેન બિહાઇન્ડ વાઝે પ્રદીપ શર્મા છે એ સર્વવિદિત હતું, એમ પ્રવીણ દરેકરે જણાવ્યું હતું. એટલે આ બંને મામલે પ્રદીપ શર્માની ભૂમિકા શું છે એની તપાસ કરવા એનઆઈએ તેમના ઘરે પહોંચી હતી. પ્રદીપની ધરપકડને પગલે અનેક બાબતો પરથી પરદો ઉંચકાશે એમ દરેકરે કરેલા ટ્વીટમાં જણાવ્યું હતું.
પ્રદીપ શર્માની કારકિર્દી
1983માં પોલીસ દળમાં ભરતી થયેલા પ્રદીપ શર્માએ ઘાટકોપર અને માહિમને બાદ કરતા મોટાભાગના સમય દરમ્યાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં કાર્યરત હતા. પોલીસ દળમાં સૌથી વધુ એન્કાઉન્ટર પ્રદીપ શર્માના નામે બોલાય છે. પ્રદીપે કરેલા એન્કાઉન્ટરમાં મુંબઈ બૉમ્બ ધડાકા કેસના લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદી સહિત સાદિક કાલ્યા, વિનોદ મટકર, સુહાસ માડવાલા, રફિક ડબા વગેરેનો સમાવેશ થાય છે.