લગ્ન સમારંભો અને સંબંધિત કાર્યક્રમોમાં વગાડાતા સંગીતને લઈને લાંબા સમયથી ચાલતી ગૂંચવણ પર હવે નવો વળાંક આવ્યો છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) એ લગ્નો માટે સંગીત લાઇસન્સિંગ ફીમાંથી મુક્તિ આપતી પોતાની અગાઉની જાહેર નોટિસ પાછી ખેંચી લીધી છે. આ નિર્ણયથી મ્યુઝિક કૉપિરાઇટ સંબંધિત નિયમો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
DPIIT દ્વારા 24 જુલાઈ, 2023ના રોજ જારી કરાયેલી જાહેર નોટિસ હવે રદ કરવામાં આવી છે. આ નોટિસ હેઠળ લગ્નો અને સંબંધિત કાર્યક્રમોમાં સંગીત વગાડવા માટે લાઇસન્સિંગ ફીમાંથી છૂટ આપવામાં આવી હતી. પરંતુ NOVEX Communications Pvt. Ltd. વિરુદ્ધ Union of India વચ્ચે ચાલી રહેલા કૉપિરાઇટ અપીલના મુદ્દા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી આ નોટિસ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયનો સીધો અસર એ છે કે હવે લગ્ન સમારંભો, રિસેપ્શન, DJ પાર્ટી, કોક્ટેલ ઇવેન્ટ્સ જેવા કાર્યક્રમો માટે સંગીત વગાડવા NOVEX Communications પાસેથી કૉપિરાઇટ લાઇસન્સ લેવુ ફરજિયાત ગણાશે. સ્થળ માલિકો, ઇવેન્ટ આયોજકો અને DJ ઓપરેટર્સને નિયમોનું પાલન કરવું પડશે. નિયમભંગની સ્થિતિમાં મનાઈ હુકમ, નુકસાની કે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે NOVEX Communications પાસે SA RE GA MA, Yashraj Music, Zee Music, Tips, Shemaroo સહિત ભારતના આશરે 75 ટકા અગ્રણી સંગીત લેબલોના કૉપિરાઇટ લાઇસન્સિંગ અધિકાર છે.






