મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના બદલાપુરમાંથી દિલ દ્રાવી દેનારી અને રોમાંચક તપાસ બાદ બહાર આવેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધું છે. પત્નીના મૃત્યુને સાપના કાટથી થયેલ અકસ્માત બતાવીને બચી જવાની કોશિશ કરનાર પતિની સચ્ચાઈ આખરે ત્રણ વર્ષ પછી પોલીસ તપાસમાં બહાર આવી છે.
બદલાપુર ઇસ્ટની ઉજ્વલદીપ સોસાયટીમાં રહેતી નીરજા રૂપેશ આંબેકરનું 10 જુલાઈ 2022ના રોજ રહસ્યમય રીતે મોત થયું હતું. તે સમયે પોલીસમાં આ કેસ ‘આકસ્મિક મૃત્યુ’ તરીકે નોંધાયો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત ન જણાતા મામલો બંધ માનવામાં આવ્યો હતો. જોકે, સમય જતાં કેટલાક સાક્ષીઓના નિવેદનમાં વિસંગતતા દેખાતા પોલીસે ફરી તપાસ શરૂ કરી.
પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક નીરજા અને તેના પતિ રૂપેશ આંબેકર વચ્ચે લાંબા સમયથી ઘરેલુ વિવાદ ચાલતા હતા. આ વિવાદમાંથી છૂટકારો મેળવવા માટે પતિએ મિત્રો સાથે મળીને ભયાનક કાવતરું ઘડ્યું.આરોપ મુજબ, રૂપેશે તેના મિત્ર ઋષિકેશ ચાલકે અને કુણાલ ચૌધરીની મદદથી ચેતન દુધાણે નામના સ્નેક રેસ્ક્યુ વોલન્ટિયર પાસેથી ઝેરી સાપ મંગાવ્યો.
યોજનાબદ્ધ રીતે એ સાપ દ્વારા નીરજાને ડસાવવામાં આવી, જેથી મોતને સ્વાભાવિક સાપના કાટ તરીકે બતાવી શકાય. આરોપીઓને લાગ્યું કે આ રીતે તેઓ કાયદાની પકડથી બચી જશે, પરંતુ ટેકનિકલ પુરાવા અને ગહન પૂછપરછ બાદ સત્ય બહાર આવ્યું.
પોલીસે પતિ સહિત ચારેય આરોપીઓને ધરપકડ કરી છે. સિનિયર ઇન્સ્પેક્ટર નિતિન પાટિલે જણાવ્યું કે કેસની વધુ તપાસ ચાલુ છે અને આ હત્યાકાંડના દરેક પાસાને ઉજાગર કરવામાં આવશે.






