મિરા-ભાયંદર પાલિકાની હદમાં ઉત્તનના દરિયાને અડીને આવેલા વેલંકની ચર્ચ પાછળ એક ઝૂપડીની જગ્યાએ અનધિકૃત બાંધકામ કરી માનસી ઉપહારગૃહ બાંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેનું નામ બદલીને કૅફે સરીન, કૅફે સાગા કરવામાં આવ્યું. અને હવે એનું કોસ્ટારિકા નામ રાખવામા આવ્યું છે. કૅફે સરીન તેમજ કૅફે સાગામા વગર પરવાનગીએ દારૂ પીરસવામા તેમજ વેચવામા આવતો હોવાથી તેની વિરુધ્ધ ફરિયાદો થતા પોલીસ તેમજ એકસાઈઝ વિભાગ દ્વારા કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામા આવ્યો હતો. પરંતુ હોટલ ભાડા પર આપનાર માલિક પર એકસાઈઝ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવી નહોતી. હાલ અહીંના જૂના ભાડુઆત પંકજ વર્મા દ્વારા માલિક વિપુલ ક્ષીરસાગર સામે વકીલ દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે. તેમ જ થાણે કલેકટર, એક્સાઈઝ વિભાગ અને મીરા ભાયંદર મહાપાલિકાના કમિશનરને પણ ફરિયાદ કરી પગલાં લેવાની માગણી કરાઈ છે. જોકે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ પંકજ કરી રહ્યો છે. બીજી બાજુ વિપુલ દ્વારા પણ ભાડુઆત ભાડું ન આપતો હોવાનો તેમ જ ટાઉતે વાવાઝોડામાં નુકશાની માગવામાં આવી છે જે યોગ્ય ન હોવાનું પંકજ વર્મા જણાવે છે. આ અંગે તેણે વકીલ દ્વારા વિપુલને નોટિસ પણ મોકલી છે અને મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
લૉકડાઉન દરમિયાન કૅફે સાગા કેટલાક મહિના બંધ હતી. પરંતુ હોટલ માલિકે ફરી નવી વ્યક્તિને ભાડે આપી છે તેમ જ પોતાની ડિપોઝિટ પરત ન કરી હોવાનો પંકજનો આક્ષેપ છે. હાલમાં હોટલનું નામ કોસ્ટારિકા રાખવામા આવેલ છે. હોટલમાં વગર પરવાનગીએ દારૂ પીરસવાની સાથે વેચવામા પણ આવે છે. એટલું જ નહીં, અહીં હુક્કા પાર્લર પણ ચાલુ કરવામાં આવનાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ જગ્યા સરકારી જમીન હોવાથી અતિક્રમણ કરી શાસનનું લાખો રૂપિયાનું નુકશાન થયાનું તેમજ ગેરકાયદે ચાલતા વ્યવસાયને અધિકારીઓ દ્રારા પ્રોત્સાહન અપાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કથિત ગેરકાયદે ચાલતા ધંધાને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનો આક્ષેપ કરવાની સાથે સ્થાનિક સામાજિક સંઘઠન તેમજ રાજકીય પક્ષ દ્વારા કોસ્ટારિકા હોટલ વિરુધ્ધ પોલીસ અને એકસાઈઝ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરવામા આવી છે.






