ઉદય નામના છ વરસના ચીતા આજે સાંજે ચાર વાગ્યે મૃત્યુ પામ્યો
મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દશ્રિણ આફ્રિકાથી લવાયેલા એક ઓર ચીતા આજે મૃત્યુ પામ્યો હતો. ઉદય નામનો ચીતા શનિવારે બીમાર હોવાનું જણાતા એનો ઇલાજ શરૂ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન જ એ મૃત્યુ પામ્યો હતો. મધ્ય પ્રદેશના મુખ્ય વન સંરક્ષક જે.એસ. ચૌહાણે ઉદય નામના ચીતાનું મૃત્યુ થયું હોવાની વાતને પુષ્ટિ આપી હતી. દક્ષિણ આફ્રિકાથી લવાયાના બે મહિના બાદ કૂનો નેશનલ પાર્કમાં બીજા ચીતાનું મૃત્યુ થયું છે. છ વરસનો ચીતા ઉદય દેશમાં લવાયેલા બાર ચીતામાંનો એક હતો. જોકે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે.
મધ્ય પ્રદેશના મુખ્ય વન સંરક્ષક જે.એસ ચૌહાણે જણાવ્યું કે રોજિંદી દેખરેખ રાખતા દળે ઉદયને નતમસ્તક અને સુસ્ત હાલતમાં બેઠેલો જોયો. નજીક જઈને જોતા ચીતા લથડિયા ખાતો ઊભો થયો અને એક તરફ ગરદન ઝુકાવીને ચાલી રહ્યો હતો.
તેમણે જણાવ્યું કે આ બાબતની જાણકારી વન્યપ્રાણીઓના ડૉક્ટરને આપવામાં આવી. ડૉકટરને પ્રાથમિક તપાસમાં એ બીમાર હોવાનું જણાયું અને સવારે 11 વાગ્યે બેભાન કરી સારવાર આપવાની શરૂઆત કરી. ત્યાર બાદ એને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સાંજે ચાર વાગ્યે ઉદયનું મૃત્યુ થયું.
આ અગાઉ પાંચ વરસની નામિબિયન ચીતા સાશાનું ગયા મહિને કિડનીના ટેપના કારણે મૃત્યુ થયું. એ કૂનોમાં આવનાર ચીતાના પહેલા ગ્રુપમાં હતી અને ગયા વરસે આવેલી પાંચ માદા ચીતામાંની એક હતી.
ગયા વરસે નામિબિયાથી લવાયેલા આઠ ચીતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસે કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. તો દક્ષિણ આફ્રિકાથી લવાયેલા બાર ચીતામાં સાત નર અને પાંચ માદા ચીતા હતાં.






