મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો

રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુ વયના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત સોમવાર 10મી જાન્યુઆરીથી થઈ છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના શુભારંભ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજાર થી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ અપાશે.
મુખ્યપ્રધાને ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.