મુંબઈના ત્રણ રેલવે સ્ટેશન સહિત અમિતાભ બચ્ચનના બંગલે બોમ્બ મુકાયા હોવાના સમાચાર ખોટા હોવાનું જણાયું હતું. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ક્રાઇમ ઈન્ટેલિજન્સ યુનિટે શહેરના ચાર સ્થળે બોમ્બ વિસ્ફોટની અફવા મામલે બે જણની ધરપકડ કરી છે.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિએ ત્રણ સ્ટેશન અને અમિતાભના બંગાલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, પણ એ નકલી કોલ હોવાનું જણાયું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા, દાદર રેલવે સ્ટેશન ઉપરાંત અમિતાભ બચ્ચનના જુહુમાં આવેલા બંગલામાં બોમ્બ રખાયા છે.
ફોન આવ્યા બાદ રેલવે પોલીસ, RCF બોમ્બ વિરોધી ટુકડી, શ્વાન ટુકડી અને સ્થાનિક પોલીસ તમામ સ્થળે પહોંચી તલાશી શરૂ કરી.
પોલીસે જણાવ્યું કે અહીંથી કોઈ સંદિગ્ધ મળ્યું નથી, પણ ત્યાં મોટી સંખ્યામાં પોલીસો તૈનાત કરાયા છે. એ સાથે અધિકારીએ જણાવ્યું કે કેસની તપાસ ચાલી રહી છે.






