કોરોનાને કારણે માતા-પિતાનું છત્ર ગુમાવનારા દિવ્યાંગ બાળકો માટે વિરારના અર્નાળા ખાતે વસતિ ગૃહ અને પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. નૂતન ગુળગુળે ફાઉન્ડેશન દ્વારા બનાવાઈ રહેલા વસતિ ગૃહ ‘સ્વાનંદ સેવા સદન’ના ભૂમિ પૂજન માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી 3 એપ્રિલ, 2022ના અર્નાળા આવવાના છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ અતર્ગત આવતા દિવ્યાંગ કલ્યાણ કમિશનરેટે આ ઉપક્રમને મંજૂરી આપી છે.
કોરોના મહામારીના કારણે માતા-પિતા ગુમાવનાર ગ્રામીણ મહારાષ્ટ્રના દિવ્યાંગ બાળક સહિત એક વાલિને રહેવાની વ્યવસ્તા, માર્ગદર્શન, આરોગ્ય સેવા, શિક્ષણ વગેરે તમામ સુવિધા પૂરી પાડતું આ લગભગ પહેલું વસતિ ગૃહ હોવાનું ફાઉન્ડેશનનાં અધ્યક્ષ, ટ્રસ્ટી નૂતન ગુળગુળેએ જણાવ્યું હતું.
દિવ્યાંગ બાળકોના ઉછેર માટે ખાસ સુવિધા હોવી જરૂરી હોવાથી આ ઉપક્રમ અમલમાં મુકવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આવા બાળકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જ વસતિ ગૃહનું નિર્માણ કરવામાં આવશે. વસતિ ગૃહના નિર્માણ માટે લોકોના સાથ-સહકારની ખાસ જરૂર છે અને તેમના અમૂલ્ય પીઠબળ અને ફાળા થકી સંસ્થાને આર્થિક દૃષ્ટીએ સક્ષમ કરે એવી ઇચ્છા સંસ્થાનાં અધ્યક્ષા નૂતન ગુળગુળેએ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પાલઘર જિલ્લાના સાંસદ રાજેન્દ્ર ગાવિત, વિરારના વિધાનસભ્ય અને બહુજન વિકાસ આઘાડીના અધ્યક્ષ હિતેન્દ્ર ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય સચિવ સુનીલ દેવધર, નિશિગંધા વાડ સહિત અન્યો ઉપસ્થિત રહેશે. એ સાથે સ્વપ્નિલ પંડિત પ્રસ્તુત હિન્દી-મરાઠી ગીતોનો સંગીતમય કાર્યક્રમ મેઘમલ્હારનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.