કોરોનાકાળમાં બૉલિવુડમાં તમામ ગતિવિધિ ઠપ થઈ ગઈ. પરિસ્થિતિ એવી છે કે કોવિડને કારણે અમલમાં મુકાયેલા પ્રતિબંધો ક્યારે હટાવાય એ નક્કી નથી, ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ મંથર ગતિએ ચાલી રહી છે. આવા સમયે ઇન્ડસ્ટ્રીને વેગ આપવા નિર્માતા-દિગ્દર્શક અપૂર્વ વ્યાસે બીડું ઝડપ્યું. તાજેતરમાં તેમણે એક સાથે ત્રણ પ્રોજેક્ટની જાહેરાત કરી. જેમાં બે ફિલ્મ ઉપરાંત એક વેબ સિરીઝનો સમાવેશ થાય છે. મજાની વાત એ છે કે આ ત્રણેય પ્રજેક્ટમાં રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હશે. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવાની સાથે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં અપૂર્વ વ્યાસે ત્રણેય પ્રોજેક્ટની જાણકારી આપી હતી. આ અવસરે રાજપાલ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હેમંત પાંડે અને સીમા પાંડે પણ હાજર રહ્યાં હતાં.
વરસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય અપૂર્વ વ્યાસે અનેક ફિલ્મોની સાથે જાહેરખબરો પણ બનાવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચા (શોલે ફૅમ)ના ભાણેજ એવા અપૂર્વ વ્યાસ ત્રણેય પ્રોજેક્ટના નિર્માતા-લેખક-દિગ્દર્શક છે.
અપૂર્વ વ્યાસે જણાવ્યું કે તેમની વેબ સિરીઝનું નામ છે ધ કોડ ઇન હંગેરી. જાસૂસી પર આધારિત સિરીઝનું મોટાભાગનું શૂટિંગ હંગેરીમાં થશે. સિરીઝમાં રાજપાલ યાદવ ઇન્ટરપોલના ડિરેક્ટરની ભૂમિકા ભજવશે જ્યારે સીમા પાંડે ઇન્ટરપોલ અધિકારીની ભૂમિકામાં હશે. આ સિવાય જે બે ફિલ્મ રાજપાલ યાદવને લઈને બનાવી રહ્યા છે એના નામ છે ફાધર ઑન સેલ અને ક્રેઝી કિંગ.
ફાધર ઑન સેલમાં રાજપાલ યાદવ એક એવા પિતાની ભૂમિકામાં છે જે શૂન્યમાંથી સર્જન કરે છે. આ ઇમોશનલ ફિલ્મમાં હેમંત પાંડે, મનોજ પાહવા અને તાન્યા દેસાઈ પણ કામ કરી રહ્યા છે. યુકેમાં શૂટ થનારી ફિલ્મમાં ત્યાંના અઢાર કલાકારો પણ હશે.
બીજી ફિલ્મ ક્રેઝી કિંગમાં રાજપાલ યાદવ ટાઇટલ રોલ ભજવી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ કૉમેડિયન ચાર્લી ચેપ્લીનને શ્રદ્ધાંજલિ અર્પિત કરાશે. ફિલ્મનું શૂટિંગ અમેરિકામાં થશે અને એમાં હૉલિવુડના જાણીતા કલાકાર મોર્ગન ફ્રીમેન અને માર્ટિન શીન સહિત ત્યાંના અનેક કલાકાર પણ ફિલ્મમાં જોવા મળશે.
દિગ્દર્શક અપૂર્વ વ્યાસના હિસાબે આ ત્રણેય પ્રોજેક્ટમાં રાજપાલ યાદવને એક નવા રંગરૂપમાં પ્રસ્તુત કરવા ઉત્સાહિત છીએ. પહેલાં તેઓ વેબ સિરીઝ બનાવશે ત્યાર બાદ વારાફરતી ફિલ્મનું શૂટિંગ કરશે.
રાજપાલ યાદવ પણ આ ત્રણેય પ્રોજેક્ટને લઈ ચાર્જઅપ હોવાનું અનુભવી રહ્યા છે. પ્રેસ કૉન્ફરન્સમાં રાજપાલ યાદવે જણાવ્યું કે, 24 વરસની કરિયરમાં મેં 200 જેટલી ફિલ્મો કરી છે અને ક્યારેય સમાન ભૂમિકા ભજવી નથી. જંગલ બાદ મને એ પ્રકારની પચાસ ફિલ્મો ઑફર થઈ પણ મેં બધી નકારી દીધી. હંમેશા કંઇક નવું કરવામાં માનું છું. અપૂર્વએ જ્યારે આ પ્રોજેક્ટ ઑફર કર્યા ત્યારે એ બાબત સ્પર્શી ગઈ કે ત્રણેયની ભૂમિકા અલગ પ્રકારની છે અને કંઇક નવું છે. અને એટલા માટે જ મેં ત્રણેય પ્રોજેક્ટ કરવાની હા પાડી.
અનેક ગુજરાતી ફિલ્મો કરી ચુકેલી સીમા પાંડેએ જણાવ્યું કે ઇન્ટરપોલ ઑફિસરની ભૂમિકા ભજવવા હું ઉત્સુક છું. મેં આવી રફટફ અને ઍક્શન ભૂમિકા ક્યારેય ભજવી નથી. ફાઇટની સિક્વંસ હશે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કારણ, હું કરાટેમાં બ્લૅક બેલ્ટ ધરાવુ છું.