સોશિયલ મિડિયામાં એક વિડીયો વાયરલ થયેલા વિડિયોમાં સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ આરામ કરતાં અને બેરેકમાં શાંતિથી રહેતા નજરે પડે છે. સાબરમતી જેલનો આરામ ટાઇટલથી વાયરલ થઈ રહેલો વિડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
વાયરલ થઈ રહેલા વિડિયો અંગે સ્પષ્ટતા કરતા જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, વિડિયોમાં દેખાતા કેદીઓ અને બેરેક સાબરમતી સેન્ટ્રલ જેલના નથી. વધુમાં જણાવાયું હતું કે, વિડિયો વાયરલ કરનાર ખુમાનસિંહ કનુભા ઝાલા કાચા કામનો કેદી છે. 6 ઓગસ્ટ 2024ના રોજ જેલમાં આવેલો ખુમાનસિંહ 25 સપ્ટેમ્બર 2024ના જામીન પર છૂટ્યો હતો.
જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, ખુમાનસિંહે સ્વ-પ્રસિદ્ધિ માટે વિડિયો એડિટ કરીને વાયરલ કર્યો છે. ઉપરાંત બીજો વિડિયો, જે જેલની મુલાકાત રૂમનો જણાઈ રહ્યો છે, તે સાબરમતી સેન્ટ્રલ જેલનો હોવાનું ચોક્કસ પણે કહી શકાય નહીં.
ઈન્સ્ટાગ્રામ પર ખુમાનસિંહ ઝાલાના નામે વિડિયો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થયો છે, જેમાં કેદીઓની મુલાકાતનો સમય દર્શાવવામાં આવ્યો છે. વિડિયો વિશે સઘન તપાસ થઈ રહી છે, કારણ, તેની અધિકૃતતા અને સત્તાવાર સ્રોત અંગે અનેક શંકા-કુશંકાઓ થઈ રહી છે. વિડિયોના વાયરલ થવાને કારણે સાબરમતી જેલની સુરક્ષાથી લઈ અનેક પ્રશ્નો ખડા થયા હોવાથી પોલીસ પ્રશાસન આ મામલે તલસ્પર્શી તપાસ કરી રહ્યું છે.






