ર૩ જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ર૦ર૧માં ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રની વૈશ્વિક સિદ્ધિને પ્રોત્સાહિત કરવા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ ખેલાડીઓને રૂ. ૧૦-10 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતની જે ખેલાડીને 10 લાખ રૂપિયાની સહાય મળશે તે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટનમાં ટોકિયો ખાતે યોજાઈ રહેલી ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાની સાથે આગામી ટોકિયો ઓલિમ્પિક-પેરા ઓલિમ્પિકમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૧ આ વર્ષે તા. ર3 જુલાઇ ૨૦૨૧થી તા. ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. ૨૪ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર સુધી જપાનના ટોકિયો ખાતે યોજાવાની છે.