સૌરાષ્ટ્રનું અગ્રણી ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ખેડૂતો માટે આશાની નવી કિરણ બનીને ઉભર્યું છે. ધાણા અને મરચાની સિઝન શરૂ થતા જ યાર્ડમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રેકોર્ડ બ્રેક આવક અને ઉત્સાહજનક ભાવને કારણે સમગ્ર યાર્ડમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.
ધાણાની આવકમાં સીઝનનો ઇતિહાસ રચાયો
યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને ગોંડલ પહોંચ્યા હતા. સિઝનની શરૂઆતમાં જ સવા લાખ ગુણી ધાણાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ગુણવત્તા મુજબ ખેડૂતોને 20 કિલો દીઠ 1100 થી 2400 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી ઝળહળી ઉઠી હતી.

મરચાની તીખાશ સાથે ભાવમાં પણ આગ
ધાણાની સાથે મરચાની આવક પણ જોરદાર રહી. યાર્ડ મરચાની લાલ ચમકથી છલકાઈ ગયું હતું. મરચાની સિઝનમાં 25,000 ભારી જેટલી રેકોર્ડ બ્રેક આવક થઈ છે. અહીં ખેડૂતોને 20 કિલો દીઠ 1500 થી લઈને 8000 રૂપિયા સુધીના ભાવ મળ્યા, જે મરચા ઉગાડનાર ખેડૂતો માટે મોટી રાહત અને ઉત્સાહનું કારણ બન્યું છે.
હાલ આવક પર અસ્થાયી રોક
યાર્ડના સતાધીશોએ માહિતી આપી હતી કે હાલ બીજી સૂચના ન મળે ત્યાં સુધી ધાણા અને મરચાની આવક અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં, આ સિઝનની શરૂઆતએ જ ગોંડલ માર્કેટિંગ યાર્ડે ખેડૂતો માટે સમૃદ્ધિ અને વિશ્વાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે.






