એક સમયની લાવણી સામ્રાજ્ઞી, જેની અદાકારીએ લાલબાગ, પરેલના હનુમાન થિયેટરને વન્સ મોર અને તાળીઓના ગડગડાટથી ગજવ્યું, જેની અદાકારી અને સૌંદર્યએ ચાલીસ વરસ પહેલા અનેક તમાશા રસિયાઓને ઘાયલ કર્યા, એ મહારાષ્ટ્રની લાવણી સામ્રાજ્ઞી આજે રસ્તા પર જે મળે એ ખાઈને દિવસો કાઢી રહી છે. બસ ડેપો એનું ઘર બન્યું છે. અત્યંત દયનીય સ્થિતિમાં એ દિવસો પસાર કરી રહી છે. આ લાવણી સામ્રાજ્ઞી એટલે શાંતાબાઈ લોંઢે ઉર્ફે શાંતાબાઈ કોપરગાવકર.
આજે અમુક કલાકાર જે ટીવી પર આવી લાવણીના પાઠ શીખવે છે એવાં ત્રણ-ચાર નામોને બાદ કરતા લાવણી માટે આખું આયખુ લાવણી માટે સમર્પિત કરનાર અનેક કલાકાર ક્યાં છે એની જાણકારી નથી. આવી જ એક દુર્લક્ષિત લાવણી સામ્રાજ્ઞી શાંતાબાઈને બસ ડેપો પર ભીખ માગવાનો વારો આવ્યો છે. શાંતાબાઈનો એક વિડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમની અદાકારી અને સુંદરતાએ અનેક તમાશા રસિકોને ઘાયલ કર્યાં હતાં એવી લાવણી સામ્રાજ્ઞી આજ ભીખ માગી દિવસો કાઢી રહી છે.
મીડિયાના અહેવાલ મુજબ શાંતાબાઈ લોંઢેએ તેમની લાવણીની કલા દ્વારા ઉત્તર મહારાષ્ટ્ર ગજવ્યું હતું. લાલબાગ પરેલના હનુમાન થિયેટરમાં યોજાયેલા શાંતાબાઈ કોપરગાંવકર તમાશા આજે પણ અનેકને યાદ છે. પચાસ-સાંઇઠ લોકોને રોજી-રોટી પૂરી પાડનાર શાંતાબાઈને નિર્માતાએ દગો આપ્યો હોવાનું કહેવાય છે.અશિક્ષિત હોવાથી પૈસાની લેવડદેવડમાં ગતાગમ પડતી ન હોવાથી શાંતાબાઈ પાસેની જમાપૂંજી અનેકજણ પડાવી ગયા. અને એના આઘાતથી માનસિક બીમારીનો ભોગ બન્યાં. પતિ, સગાસંબંધીનો સાથ-સહકાર ન મળતા શાંતાબાઈને કોપરગાવ બસ ડેપો ખાતે ભીખ માગી દિવસો વીતાવી રહ્યાં છે.
75 વર્ષીય શાંતાબાઈનો ઓળખ જૂની ધરૂન મની આ લાવણી ગીત ગાતો એક વિડિયો તાજેતરમાં વાયરલ થયો છે.
મળતા અહેવાલ મુજબ સામાજિક કાર્યકર અરુણ ખરાત અને તેમના મિત્ર ડૉ. અશોક ગાવીત્રેએ શાંતાબાઈને વૈદ્યકીય સહાય પૂરી પાડી હોવાનું કહેવાય છે. એ સાથે શાંતાબાઈને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા સરકારે વૈદ્યકીય સહાય અને રહેવા માટે ઘરર ઉપલબ્ધ કરાવવાની પણ માગણી થઈ રહી છે.