દિવંગત સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન હેમવતી નંદન બહુગુણાની સ્મૃતિમાં સર સૈયદ અહમદ એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા આ વખતે જશ્ન-એ-બહુગુણા મુંબઈમાં આયોજિત થશે, જેમાં દેશના તમામ ખૂણેથી કવિ ભાગ લેશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીના હસ્તે સમાજના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી અનેક હસ્તીઓનું સન્માન પણ કરાશે એમ કાર્યક્રમના આયોજક અને કો-ઓર્ડિનેટર સાજિદ ખાન આઝમીએ જણાવ્યું હતું.
વેલફેર સોસાયટીના જનરલ સેક્રેટરી સાજિદ ખાન આઝમીએ કહ્યું કે છેલ્લા બે દાયકાથી દેશના વિવિધ સ્થળે મુશાયરા અને કવિ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને આ વરસે 21 મે, 2022ના સાજે સાડા સાત વાગ્યે બાન્દ્રા પશ્ચિમ સ્થિત રંગ શારદા હૉલમાં યોજાશે. સેફ પ્રો ફાયરના ચેરમેન અલીમ ખાન દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.જેમાં સ્વર્ગીય હેમવતી નંદન બહુગુણાની દીકરી અને હેમવતી નંદન બહુગુણા સ્મૃતિના ઉપાધ્યક્ષ સંસદ સભ્ય પ્રો. રીટા બહુગુણા જોશી ખાસ મહેમાન તથા જાવેદ ફારુખી અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ઍડવોકેટ ઝેડ. કે. ફૈઝાન કરશે. જ્યારે કાર્યક્રમનું સંચાલન નઝર બિજનોરી કરશે. જશ્ન-એ-બહુગુણામાં રાકેશ બેદી, કુંવર જાવેદ, જૌહર કાનપુરી, એ.એમ. તુરાજ, શશી ભૂષણ સમદ, સરફરાઝ નવાઝ, હસન કાઝમી, અયુબ વફા, લતા હયા, નકહત અમરોહી, ખુર્શીદ હૈદર, મોઈન શાદાબ જેવા કવીઓ ભાગ લેશે.






