હનુમાન જયંતિના દિવસે થયેલી હિંસાને પગલે દિલ્હી મહાનગર પાલિકાએ જહાંગિરપુરીના ગેરકાયદે બાંધકામો હટાવવા આજે સવારથી નવ બુલડોઝરને કામે લગાવ્યા હતા. એમસીડીએ એચ બ્લૉકમાં અનેક ગેરકાયદે બાંધકામો હટાવ્યા છે. કાર્યવાહી સામે સ્થાનિકો દ્વારા કોઈ વિરોધ થયો નહોતો. પરંતુ વિરોધ પક્ષો અને સ્થાનિકોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલને પગલે સર્વોચ્ચ અદાલતે કાર્યવાહી પર સ્ટે આપવાની સાથે જે સ્થિતિ છે (સ્ટેટસ કો) એ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. એ સાથે વધુ સુનાવણી આવતી કાલે એટલે કે ગુરુવારે થશે.
જહાંગિરપુરીના ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ સવારે લગભગ દસેક વાગ્યાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પેશિયલ સીપી લૉ એન્ડ ઑર્ડર દીપેન્દ્ર પાઠક, જોઇન્ટ સીપી વિવેક કિશોર અને ડીસીપી ઉષા રંગનાની ઉપસ્થિત હતાં. સમગ્ર વિસ્તારને પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનોએ ઘેરી લીધો છે. એટલું જ નહીં, ત્યાંના મકાનોની અગાસી પરથી પણ પેરામિલિટરીના જવાનો નજર રાખી રહ્યા છે.
જહાંગિરપુરી પહોંચેલા સ્પેશિયલ સીપી લૉ એન્ડ ઑર્ડર દીપેન દ્ર પાઠકનું કહેવું છે કે, એમસીડીના અતિક્રમણ હટાઓ અભિયાન જ્યાં પણ થશે, ત્યાં અમે સહાય કરશું. અમારી ભૂમિકા કાયદો વ્યવસ્થા જાળવવાની છે અને એ હિસાબે પૂરતી ફોર્સ ઉપલબ્ધ કરાવવાની છે. અમે આજના અભિયાનને જોતા પૂરતી વ્યવસ્થા કરી છે. કોઈ પણ પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવાની અમારી તૈયારી છે.
જહાંગિરપુરીના ગેરકાયદે બાંધકામો હટાવવા માટે યુપી સરકારની જેમ બુલડોઝરથી કાર્યવાહી કરવાની માગણી પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ મંગળવારે ઉત્તરી નિગમ કમિશનરને પત્ર લખી કરી હતી.
જહાંગિરપુરી હિંસા બાદ આ વિસ્તારના ગેરકાયદે બાંધકામો પર એમસીડી દ્વારા ચલાવાઈ રહેલા બુલડોઝરને સુપ્રીમ કોર્ટે અટકાવ્યા છે. જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એની સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો હતો કે હાલ તુરંત યથાસ્થિતિ જાળવી રાખવા અને કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન મેયર રાજા ઇકબાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલે જે આદેશ આપશે એનું પાલન કરવામાં આવશે.
બુલડોઝર કાર્યવાહી શરૂ થયા બાદ ઓવેસીએ જણાવ્યું કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. પરંતુ જાણવા મળ્યા મુજબ જે પહેલી દુકાન તોડવામાં આવી એ બિહારી રમણ ઝાની હતી. એટલું જ નહીં, અનેક હિન્દુઓની પણ ગેરકાયદે દુકાનો તોડવામાં આવી હતી.