વરલી MIG કોલોનીમાં રહેતા ડગ્લાસ સલધાનાને તેમની બહેને મૃત્યુ પૂર્વે સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી ઉગાડવાની વિનંતી કરવાની સાથે ભાઈને જણાવ્યું કે એની મૃત્યુ બાદ પણ એ હેવનથી ક્રિસમસ ટ્રી જોઈ શકે.
બહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા ડગ્લાસે તેમના ઘરના આંગણામાં 2005માં એક ક્રિસમસ ટ્રી રોપ્યું. આજે 19 વરસ બાદ એ ક્રિસમસ ટ્રી લગભગ ૭૦ ફૂટ જેટલું થયું છે. સૌથી ઊંચા નેચરલ ક્રિસમસ ટ્રી તરીકે લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. ડગ્લાસ સલધાના માત્ર ક્રિસમસ ટ્રી રોપીને જ અટક્યા નહોતા. તેઓ 2005થી ક્રિસમસ ટ્રીને આકર્ષક રીતે શણગારી ક્રિસમસની ઉજવણી કરે છે. માત્ર ક્રિસમસ દરમિયાન જ નહીં પણ દિવાળી, પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ ક્રિસમસ ટ્રીને તહેવારને અનુરૂપ થીમ મુજબ શણગારે છે. તેઓ શણગારની સાથે ટ્રી જોવા વનારા તમામને કેક ખવડાવી તહેવારની ઉજવણી કરે છે. આ માટે વરસે લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચો કરતા હોવાનું સલધાનાએ જણાવ્યું.
શરૂઆતમાં માત્ર એમઆઈજી કોલોનીના લોકો જ ટ્રી જોવા આવતા પણ જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ તેમ માત્ર મુંબઈથી જ નહીં બહારગામથી પણ લોકો ટ્રી જોવા આવતા થયા છે. વિદેશમાં ધંધો કરતા ડગલાસ સલધાના ક્રિસમસ સમયે ખાસ બે મહિના માટે મુંબઈ આવે છે અને તેમના બે વિશ્વાસુ માળી ઓ સાથે મળી ટ્રીને શણગારે છે.
ક્રિસમસ ટ્રીની શહેરમાં એટલી ચર્ચા ચાલી રહી છે કે દેશની તમામ નશનલ ચૅનલોએ પણ એની નોંધ લીધી અને આ વરસે એના ન્યુઝ કવર કર્યા. એચલું જ નહીં, ક્રિસમસ ટ્રી આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો માટે તો આ એક પિકનિક સ્પૉટ બની ગયું છે. સાંજ પડે એટલે બધા બાળકો ત્યાં ભેગા થાય, એકાદ કલાક રમે ડાન્સ કરે અને કેક ખાઈ વિદાય લે.