11 જૂનથી રાજ્યભરમાં લૉકડાઉનના નિયમો હળવા થઈ રહ્યા છે એ સાથે ધાર્મિક સ્થળોના દરવાજા પણ ખુલી રહ્યા હોવાથી ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી ચૂકી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુરસ્થિત જગદીશ મંદિરના દ્વાર પણ શુક્રવારથી ખૂલતા હોવાથી ભગવાન જગન્નાથના દર્શનનો લાભ તો મળશે જ, એ સાથે જગદીશ મંદિરેથી દર અષાઢી બીજે નીકળતી રથયાત્રા આ વર્ષે પણ 12 જુલાઈએ અષાઢી બીજના દિવસે નીકળશે તેવી આશા બંધાઈ છે.
આજે રથયાત્રા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચક નિવેદન આપ્યું હતું મુખ્યપ્રધાને રથયાત્રા અંગે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
સરકાર રથ યાત્રાને મંજૂરી આપશે કે નહીં એની તો આવનારા દિવસોમાં જાણ થશે, પરંતુ મંદિર પ્રશાસને અત્યારથી રથ યાત્રાની તૈયારી શરુ કરી દીધી છે.
દરમિયાન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને જળાભિષેક કરવાની વિધિ માટે સાબરમતી નદીમાંથી જળ લાવવા માટે 24 જૂનના રોજ જગદીશ મંદિરથી જળયાત્રા માટેની અંતિમ તૈયારી થઈ રહી છે. તો બીજી બાજુ ટ્રાફિક પોલીસની ટીમ પણ રથયાત્રા શહેરના જે વિસ્તારોમાંથી પસાર થાય છે એ રૂટ પર બંદોબસ્ત ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આમ છતાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાને રાજ્ય સરકાર પરવાનગી આપશે કે નહીં એ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જો 24 જૂને નીકળનારી જળયાત્રાને મંજૂરી આપવામાં આવશે તો રથ યાત્રાને પણ પરવાનગી મળશે એ નક્કી.
ગયા વરસે પણ કોરોના બેકાબૂ બન્યો હોવાથી શહેર પોલીસે મંજૂરી ન આપતા અષાઢી બીજના દિવસે જગદીશ મંદિરેથી રથયાત્રા શહેરની પરિકમ્માએ નીકળી નહોતી.
ભગવાન કૃષ્ણ, જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિરના પ્રાંગણમાં જ રાખવામાં આવ્યા હતા. આમ છતાં દર્શન માટે ભારે ભીડ ઊમટતા કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા અને ભારે વિવાદ પણ થયો હતો.
જોકે શહેર ટ્રાફિક પોલીસ અને મહાપાલિકાના અધિકારીઓની ટીમ રથયાત્રાના પરંપરાગત રૂટ પરના ભયજનક મકાનો, રસ્તાઓ પરના ખાડાઓની સમીક્ષા સોમવારે કરી હતી. આ રાઉન્ડને પગલે એવું લાગી રહ્યુ છે કે રથયાત્રાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છ






