પહેલી કેબિનેટ મિટિંગમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીનો મહત્ત્વનો નિર્ણય
ઉત્તરાખંડમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ રાજ્યની ભાજપ સરકારે ગુરુવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે ગુરુવારે યોજાયેલી બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન ધામીએ કહ્યું કે રાજ્યના પ્રધાન મંડળે સર્વસંમતિથી સમાન નાગરિક સંહિતાને મંજૂરી આપી છે. હવે ટૂંક સમયમાં એક સમિતિ બનાવવામાં આવશે અને એને રાજ્યમાં લાગુ કરાશે. ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા અમલમાં મૂકનાર દેશનું પહેલું રાજ્ય હશે.
સત્તામાં આવ્યા જ ધામી સરકારનો મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની પહેલી જ મિટિંગમાં આ નિર્ણય લીધા બાદ મુખ્ય પ્રધાન ધામીએ કહ્યું કે સરકાર બન્યા બાદ આજે મંત્રીમંડળની પહેલી બેઠક યોજાઇ હતી.
મુખ્ય પ્રધાન ધામીએ જનતાને કરેલો વાયદો પૂરો કરતા કહ્યું કે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨એ અમે જનતાને કહ્યું હતું કે રાજ્યમાં અમારી સરકાર આવશે તો યુનિફોર્મ સિવિલ કોડ લઈને આવશું. આજે અમે નક્કી કર્યું છે કે અમે અને વહેલી તકે અમલમાં મુકશું. એના માટે અમે એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવશું. સમિતિ આ કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરશે અને અમારી સરકાર એને અમલમાં મૂકશે. તેમણે અન્ય રાજ્યોને પણ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં મૂકવા અપીલ કરી હતી.
શું છે કોમન સિવિલ કોડ?
સમાન નાગરિક સંહિતાનો અર્થ છે તમામ નાગરિકો માટે એક સરખો કાયદો.કોઈ પણ ધરમ કે જાતિ માટે અલગ કાયદો નહીં હોય. સમાન નાગરિક સંહિતા અમલમાં મુકાયા બાદ દરેક ધરમના નાગરિકો માટે એક સરખો કાયદો લાગુ પડશે. અત્યાર સુધી દેશમાં દરેક ધર્મના લોકો લગ્ન, તલાક, વારસાઈ હક્ક અને બાળકોને દત્તક લેવા જેવી બાબતો માટે તેમના પર્સનલ લૉના હિસાબે કરે છે. પરંતુ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ તમામ ધર્મના લોકો માટે એક સરખો કાયદો હશે.
હાલ દેશમાં મુસ્લિમ પર્સનલ લૉ, ખ્રિસ્તી – પારસી પર્સનલ લૉ અમલમાં છે. તો હિન્દુ સિવિલ લૉ અંતર્ગત હિન્દુ, સિખ, જૈન અને બૌદ્ધ સમાવેશ થાય છે. બંધારણમાં સમાન નાગરિક સંહિતને અમલમાં મૂકવા માટે અનુચ્છેદ ૪૪ અંતર્ગત રાજ્યની જવાબદારી હોવાનું જણાવાયું છે. જોકે અત્યાર સુધી દેશમાં ક્યાંય એનો અમલ થયો નથી. ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય હશે જ્યાં સમાન નાગરિક સંહિતા અમલમાં મુકાશે.