હજારો કરોડના પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા અને ડોમિનિકા જેલમાં બંધ ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત સરકાર હવે સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેને જવાબદારી સોંપે એવી શક્યતા છે. સૂત્રની વાત માનીએ તો, હરીશ સાલ્વે ડોમિનિકાની હાઇકોર્ટમાં પણ ભારતની બાજુ રજૂ કરી શકે છે. ચોક્સીની ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશની સુનાવણી ત્યાંની હાઈકોર્ટમાં ચાલી રહી છે.
સોમવારે હરીશ સાલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ મેહુલ ચોક્સી કેસ અંગે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. આ કેસ અંગેની કાનૂની જાણકારી સરકારને આપવામાં આવી રહી છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત સરકાર ડોમિનિકાની અદાલતમાં કોઈ પક્ષ નથી, પરંતુ ભારત ફક્ત ડોમિનિકાની સરકાર અને વહીવટી તંત્રને જ મદદ કરશે.
સાલ્વે કહ્યું કે જો ભારતને ડોમિનિકાની કોર્ટમાં સુનાવણી કરવાની તક આપવામાં આવે અને ત્યાંના એટર્ની જનરલ તેમની કોર્ટમાં મારા પ્રવેશ માટે સંમત થાય, તો તેઓ ભારત વતિ રજૂઆત કરશે. આ અગાઉ હરિશ સાલ્વે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.