“આપણે હરિ ભજનમાં રહીએ” અને “ટોળાંની શૂન્યતા છું”નું ભવ્ય લોકાર્પણ,
‘રૂડી ભજન સંધ્યા’નું સફળ સમાપન
મુંબઈના અંધેરી સ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી. જૈન સભાગૃહમાં તાજેતરમાં ભજન, ગઝલ અને આધ્યાત્મિક સાહિત્યનો અવિસ્મરણીય મહોત્સવ સર્જાયો હતો. કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા સંપાદિત ભજન સંગ્રહ “આપણે હરિ ભજનમાં રહીએ” તથા સુપ્રસિદ્ધ ગઝલકાર જવાહર બક્ષીની ચૂંટેલી ગઝલોના સંગ્રહ “ટોળાંની શૂન્યતા છું”ના લોકાર્પણ સાથે યોજાયેલી “રૂડી ભજન સંધ્યા”એ ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓ અને સંગીતરસિકોને ભાવવિભોર બનાવી દીધા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાંએ જણાવ્યું હતું કે ભક્તિ સાહિત્ય ભારતીય જ્ઞાનનું વિકેન્દ્રીકરણ છે અને ભજન પરંપરાએ સમાજને સ્થિરતા સાથે જીવનમાં રસ અને શાંતિ આપી છે. તેમણે કવિશ્રી પ્રફુલ્લ પંડ્યાના સંપાદનકાર્યને પ્રશંસનીય ગણાવતાં કહ્યું હતું કે ભક્તિ અને જ્ઞાન બંને આત્મસાક્ષાત્કારના સમાન માર્ગો છે. જવાહર બક્ષીની ગઝલોને તેમણે વેદાંતના સાક્ષાત સ્વરૂપ સમાન ગણાવી હતી.
આ અવસરે અગ્રગણ્ય કવિ અને ભજન સાહિત્યના અભ્યાસી શ્રી દલપતભાઈ પઢિયારે “આપણે હરિ ભજનમાં રહીએ” ગ્રંથનું લોકાર્પણ કર્યું હતું. તેમણે ભજનને માત્ર ગાન નહીં પરંતુ “જીવનમાં ન્હાવાનો વિષય” ગણાવી ભાવસભર વ્યાખ્યા આપી હતી. શ્રોતાઓના આગ્રહ પર તેમણે પોતાના લોકપ્રિય ભજન *“મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”*નું મધુર ગાન કરી સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો.
કાર્યક્રમના સંચાલક તથા “ટોળાંની શૂન્યતા છું”ના સર્જક શ્રી જવાહર બક્ષીએ રસસભર અને વિદ્વતાપૂર્ણ સંચાલન સાથે પોતાની ગઝલોનું પઠન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આધુનિક આધ્યાત્મિક કવિતાઓનું સંપાદન કરીને પ્રફુલ્લ પંડ્યાએ મહત્વપૂર્ણ સાહિત્યસેવા કરી છે.
લોકાર્પણ બાદ સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી રેખાબેન ત્રિવેદીએ પ્રાચીન અને અર્વાચીન ભજનોની સુરીલી રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડોદરાથી પધારેલા કવિશ્રી હરીશ શાહે “જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ” વતી કવિ પ્રફુલ્લ પંડ્યાનું પ્રશસ્તિપત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કારથી સન્માન કર્યું હતું. સાથે જ રેખાબેન ત્રિવેદી, નિતીબેન તથા જવાહર બક્ષીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતે જવાહર બક્ષીએ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ સમાપન આપ્યું હતું.






