ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરનાર રાહુલ ગાંધીએ પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
મુંબઈ, ૩ નવેમ્બર : દેશમાં વિપક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વિવિધ બંધારણીય સંસ્થાઓ સામે કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો અને ભ્રામક પ્રચારના વિરોધમાં ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે ઉત્તર મુંબઈ ભાજપ જિલ્લા દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ધારાસભ્ય અતુલ ભાતખળકરે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
ઉત્તર મુંબઈ લોકકલ્યાણ કાર્યાલય ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ અને નગરસેવક દીપક (બાળા) તાવડે, ધારાસભ્ય મનીષા તાઈ ચૌધરી, પ્રચાર પ્રમુખ નીલાબેન સોની રાઠોડ તથા મહામંત્રી રશ્મિકાંત બેલવલકર ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સતત પરાજયનો સામનો કરનાર કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કરનાર રાહુલ ગાંધીએ પહેલાં પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. સંસદની કાર્યવાહી ચાલવા ન દેવી અને બીજી તરફ મોક પાર્લામેન્ટ યોજવી એ કેવા પ્રકારની રાજનીતિ છે, તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ખોટા નેરેટિવ દ્વારા દેશની શાંતિ અને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વિપક્ષના ભ્રામક પ્રચારનો જવાબ જનતા રેલી અને લોકશાહી માધ્યમો દ્વારા આપી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.






