મીરા-ભાયંદર પાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ સાથે યુતિ ન થતાં શિંદે શિવસેનાએ પોતાની તાકાત દર્શાવતા ૮૧ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. “અબ કી બાર પચાસ પાર”નો નારો આપી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ ચૂંટણીમાં તેમનું લક્ષ્ય મોટા વિજયનું છે.
મીરા-ભાયંદરમાં યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું હતું કે શિંદે શિવસેનાએ પાલિકા ચૂંટણીમાં ૮૧ ભારતીય ઉમેદવારોને ટિકિટ આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે પાર્ટીએ ધર્મ કે જાતિના આધાર પર નહીં પરંતુ “પ્રથમ ભારતીય” હોવાના આધાર પર ઉમેદવારી આપી છે.
સરનાઈકે આરોપ લગાવ્યો કે ભાજપ સાથે યુતિ માટે અનેક પ્રયાસો કર્યા, અપમાનના ઘૂંટડા પણ પીધા, છતાં ભાજપના સ્થાનિક વિધાનસભ્ય શરૂઆતથી જ યુતિ કરવા ઇચ્છુક નહોતા.
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે ભાજપે ટિકિટ વિતરણમાં જાતિ આધારિત સમીકરણ કર્યું છે, જ્યારે શિંદે શિવસેનાએ વધુ વ્યાપક અને સમાવેશક પ્રતિનિધિત્વ આપ્યું છે.
ગત ચૂંટણીમાં પાર્ટીને ૨૨ બેઠકો મળી હતી, આ વખતે ૩૬ બેઠકોની માંગ હતી, પરંતુ હવે ચૂંટણી સ્વતંત્ર રીતે લડીને ૫૦થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ સરનાઈકે વ્યક્ત કર્યો. મુંબઈ-થાણેમાં યુતિ શક્ય બની, પરંતુ મીરા-ભાયંદરમાં તે ન થઈ શકી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.






