આધુનિક સમયમાં સંયુક્ત પરિવાર પ્રણાલી ધીમે ધીમે ઓગળી રહી છે અને અનેક વૃદ્ધો એકલતા, બિમારી અને ઓશિયાળાપણું અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજકોટનું ‘વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર’ સદભાવના વૃદ્ધાશ્રમ હજારો નિરાધાર વૃદ્ધો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. અહીં માત્ર રહેવાની વ્યવસ્થા જ નથી, પરંતુ માન, મમતા અને જીવનભરની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
રાજકોટ-જામનગર હાઇવે પાસે આવેલા આ વિશાળ વૃદ્ધાશ્રમમાં હાલમાં 700થી વધુ વૃદ્ધો નિવાસ કરી રહ્યા છે, જેમાંથી 400થી વધુ બેડરિડન છે. ખાસ વાત એ છે કે અહીં જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિના કોઈ ભેદભાવ વિના નિરાધાર, નિઃસંતાન, કેન્સરગ્રસ્ત, કોમામાં રહેલા તથા દિવ્યાંગ વૃદ્ધોને સંપૂર્ણ મફત સેવા આપવામાં આવે છે.
આગામી સમયમાં અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 20 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું મફત ઓલ્ડ એજ હોમ ઊભું થઈ રહ્યું છે. અગિયાર માળના 7 ટાવરમાં 1400 રૂમ બનાવાશે, જ્યાં 5000થી વધુ વૃદ્ધોને ઘર જેવી લાગણી સાથે સંભાળ મળશે. જૈન સમાજ માટે વિશેષ ટાવર અને મંદિરની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
અહીં 24 કલાક મેડિકલ સુવિધા, ફિઝિયોથેરાપી સેન્ટર, સત્સંગ હોલ, આધ્યાત્મિક કાર્યક્રમો, નિયમિત હેલ્થ ચેકઅપ અને પરિવાર જેવી સંવેદનશીલ કાળજી આપવામાં આવે છે. વૃદ્ધોને માત્ર સારવાર નહીં, પરંતુ આત્મસન્માન સાથે જીવવાની નવી આશા આપવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમનો મુખ્ય ધ્યેય છે કે જીવનના અંતિમ પડાવે કોઈ વૃદ્ધ એકલતા ન અનુભવે. જો તમારી આસપાસ કોઈ બેસહારા, બિમાર કે બેડરિડન વૃદ્ધ હોય, તો તેમને આ સેવા યજ્ઞ સાથે જોડવાની અપીલ સંસ્થાએ કરી છે. અહીં વૃદ્ધોને માત્ર છત નહીં, પરંતુ પ્રેમાળ પરિવાર પણ મળે છે.






