મિથુન (ક-છ-ઘ)
આજે આપણે રાશિચક્રની ત્રીજી મિથુન રાશિના ગુણધર્મો જોઇશું. મિથુનમાં મુખ્યત્વે ક-છ-ઘ એમ ત્રણ અક્ષર આવે છે.
સ્ત્રી-પુરૂષનું યુગલ એ મિથુન રાશિનું પ્રતિક છે. દ્વિસ્વભાવવાળી આ રાશિના લોકો કોઈ વાર દુવિધામાં રહેતા હોય છે અને ક્યારેક સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી. મિથુન રાશિનો સ્વામી બુધ છે. લીલા કલરની વાયુતત્ત્વવાળી રાશિના લોકો આકાશી ચિંતન તથા બુદ્ધિશક્તિથી પોતાની પ્રગતિ કરતા હોય છે.
મિથુન રાશિના લોકો શાંત, સૌમ્ય તથા નિષ્ઠાવાન હોય છે. તેઓ જલદીથી બીજાના દોસ્ત બની જતા હોય છે. તેઓ વાતોડિયા તથા દલીલબાજ હોય છે. તેઓ જોખમ લેવાથી ડરતા હોય છે એટલે વેપાર કરવા કરતા નોકરીમાં વધુ રૂચિ ધરાવે છે. આ રાશિના લોકો કૉમ્પ્યુટર, કૉમ્યુનિકેશન, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટિંગ, પત્રકારત્વ, સંગીત, કળા, સાહિત્ય, શિક્ષણ, હિસાબ-કિતાબ, કુરિયર, વકીલાત, દલાલી, ઇન્શ્યોરંસ, ઑફિસ વર્ક વગેરે ક્ષેત્રમાં આગળ વધે છે.
મિથુન રાશિના લોકોની ગ્રહણ શક્તિ તથા સમજવાની શક્તિ ઘણી સારી હોય છે. તેઓ ચાલાક, ચતુર તથા બુદ્ધિજીવી હોય છે. તેઓ ગણિત તથા હિસાબ કિતાબમાં પ્રવીણ હોય છે. તેમને એકલા રહેવું પસંદ નથી હોતું અને નવા નવા મિત્રો બનાવવામાં કુશળ હોય છે. તથા પોતાની મિત્રતા ઘણી સારી રીતે નિભાવતા હોય છે.
મિથુન રાશિનો સ્વામી બુધ જન્મકુંડળીમાં સ્વગ્રહી થઈને કેન્દ્રમાં હોય અથવા અન્ય સારા યોગમાં હોય ત્યારે જાતક જર્નલિઝમ, લેખન, હિસાબ કિતાબ, કૉમ્પ્યુટર, આઇટી, સાહિત્ય, શિક્ષણ, કૉમ્યુનિકેશન વગેરે ક્ષેત્રમાં પારંગત બની શકે છે.
હું કંઇક વિચારૂં છું એ મિથુન રાશિનું સ્ટેટસ હોય છે.
