વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો સાથે તાદાત્મ્ય સાધવાની એક કલા છે. આ વાત તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે. તાજેતરમાં તેમની આ ખૂબી જોવા મળી હતી. 2016 સર્જિકલ સ્ટ્રાઇકના સમયે ઉત્તર કમાનના કમાંડર રહી ચુકેલા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દીપેન્દર સિંહ હુડ્ડાની બહેન સુષમાને કેન્સર થયું છે. સુષમાએ વડાપ્રધાનને પત્ર લખી કેન્સર માટેની દવાને ભારતમાં મંજૂરી આપવાની વિનંતી કરી હતી. આને પગલે વડાપ્રધાન કાર્યાલયમાંથી હુડ્ડાને ફોન આવ્યો અને તેમને શક્ય એટલી સહાય કરવાનું આશ્વાસન આપ્યું હતું. પૂર્વ સૈન્ય અધિકારીએ વડાપ્રધાનને આ મામલે અંગત રસ લેવા માટે આભાર માન્યો હતો.
સુષમાએ વડાપ્રધાનને મોકલેલા ઇ-મેલમાં જણાવ્યું હતું કે એ ટર્મિનલ કેન્સરથી પીડિત છે અને આર્મી હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તેમણે લખ્યું કે અમેરિકામાં કેન્સરની નવી દવા Sacituzumab Govitecan મંજૂરી આપી છે. ઉપરાંત યુરોપિયન એજન્સીએ પણ એને મંજૂરી આપી છે પણ ભારતમાં હજુ એ દવાને પરવાનગી અપાઈ નથી. સુષમાએ વડાપ્રધાનને આ મામલે ઘટતું કરવા વિનંતી કરી હતી જેથી કેન્સર પીડિત અનેક દરદીઓનો જીવ બચાવી શકાય.સુષમાએ 18 ડિસેમ્બરે એક ટ્વીટ દ્વારા વડાપ્રધાનને એણે લખેલા પત્રની જાણકારી આપી હતી.
શનિવારે સાંજે લે. જનરલ (નિવૃત્ત) હુડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે સુષમાએ ટ્વીટ કર્યું એના થોડા સમય બાદ તેમને વડાપ્રધાનનો ફોન આવ્યો હતો. હુડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાને તેમની બહેન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.