ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શુક્રવારે (તારીખ 21-01-2022)ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઇને નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવામાં આવશે.
21 જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોવાને કારણે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત એક કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરી 2022ના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે હાલ મોકૂફ રાખવામાં આવી છે. મહાસભાની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઇને જાહેર કરવામાં આવશે.
સરકારની ગાઇડલાઇન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 1008થી વધુ સ્થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીએ મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પંચવર્ષીય પાટોત્સવનું લાઇવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે.
એટલું જ નહીં, સાત ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ મા ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.
- રાજકોટ ન્યુઝ