વૈશ્વિક દરજ્જાના શહેર એવા મુંબઈને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડતી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં થવાની છે. દરમ્યાન, સુપ્રીમ કોર્ટે તમામ સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી (રાજકીય) અનામત રદ કરી છે. હવેથી આ ચૂંટણીઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો ઓપન કેટેગરીમાં ગણાશે. આનો સીધો ફટકો ઓબીસી સમાજને પડશે, જ્યારે ઓપન કેટેગરીમાં ચૂંટણી લડનારા ઉમેદવારોને લાભ થશે. આને પગલે રાજકારણ ગરમાયું છે અને અનામતનો પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચૂંટણી થવા નહીં દઇએ એવી ચીમકી રાજકીય પક્ષો આપી રહ્યા છે.
મુંબઈ મહાપાલિકામાં કુલ 227 નગરસેવક છે. ઉપરાંત પાંચ નગરસેવકોની નિયુક્તિ થતી હોય છે. મહાપાલિકાની 227 નગરસેવકો માટેની ચૂંટણી ફેબ્રુઆરી 2017માં યોજાઈ હતી. એ સમયે 227માંથી 50 ટકા જગ્યા મહિલાઓ માટે અનામત હતી. ઉપરાંત 15 બેઠક અનુસૂચિત જાતિ માટે, બે બેઠક શિડ્યુલ ટ્રાઇબ માટે તો 61 બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2022માં મહાપાલિકાની મુદત પૂરી થઈ રહી હોવાથી સાર્વજનિક ચૂંટણી યોજાઈ રહી છે. 2017ની ચૂંટણી 2011ની મતગણતરીના આધારે થઈ હતી. 2022ની ચૂંટણી 2011ની વસતિ ગણતરીના આધારે જ થશે. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાંના ઓબીસી (રાજકીય) અનામત રદ કર્યું છે. ઓબીસીની વસતિ ગણતરી કરી લોકસંખ્યાના આધારે અનામત આપવાનું કોર્ટે જણાવ્યું છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામત રદ કરી એ બેઠકો ઓપન કેટેગરીમાં સામેલ કરી ચૂંટણી યોજવામાં આવશે એમ પાલિકાના ચૂંટણી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ઓબીસી સમાજ માટેની 61 બેઠકોની અનામત રદ કરી એ ઓપન કેટેગરીમાં મુકાવાની હોવાથી બિન-અનામત બેઠકોની સંખ્યા 113થી વધીને 174 જેટલી થશે.
મુંબઈ મહાપાલિકામાં કુલ 227 બેઠકો છએ. એમાંથી 15 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે, એમાં પણ 8 બેઠક મહિલા માટે અને 7 પુરૂષો માટે અનામત રખાઈ છે. શિડ્યુલ ટ્રાઇબ્સ માટે બે બેઠકો છે જેમાંથી એક પુરૂષ અને એક મહિલા માટેની છે. ઓબીસી માટે 61 બેઠકો અનામત રાખવામાં આવે છે, એમાં 31 મહિલા માટે અને 30 બેઠક પુરૂષો માટેની છે.
મહિલાઓ માટે 50 ટકા અનામત હોવાથી 227માંથી 114 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવે છે. એમાંથી 74 ઓપન કેટેગરી માટે તો 40 વિવિધ વર્ગની મહિલાઓ માટે છે.
સરકારની બેદરકારી અને રેઢિયાળ કારભારનું આ ફળ છે. યોગ્ય સમયે જરૂરી કાર્યવાહી કરી નહીં, એટલે ઓબીસી અનામત રદ થઈ છે. ઓબીસી અનામત રદ થતાં એનો માર કોઈ પણ રાજકીય પક્ષોને કે નેતાને નહીં પણ ઓબીસી સમાજને પડશે, એમ ભાજપના પ્રવક્તા અને મહાપાલિકાના નિયુક્ત સભ્ય ભાલચંદ્ર શિરસાટે જણાવ્યું હતું. ચૂંટણીને હજુ છ મહિના બાકી છે. સરકારને અમે શાંતિથી બેસવા દેશું નહીં. ઓબીસી અનામત પાછી ન આવે ત્યાં સુધી ચૂંટણી થવા નહીં દઈએ. ભાજપ આ મુદ્દે ચૂપ નહીં બેસે, એવી ચીમકી પણ શિરસાટે આપી હતી.
મુંબઈ મહાપાલિકામાં પક્ષની સ્થિતિ
શિવસેના – 97, ભાજપ – 83, કોંગ્રેસ – 29, રાષ્ટ્રવાદી કોંગ્રેસ – 8, સમાજવાદી પક્ષ – 6, મનસે – 1, એમઆઇએમ – 2, અખિલ ભારતીય સેના – 1.






