પાંચ ભાષામાં બની રહેલી નાગમતિમાં મલ્લિકાની એક્શન જોવા મળશે
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હૉરર ફિલ્મોના બેતાજ બાદશાહ ગણાતા દિગ્દર્શક વી.સી. વડીવુડૈયનની આગામી પિરિયડ હૉરર થ્રિલર ફિલ્મ નાગમતિનું મુહૂર્ત કર્જત ખાતે આવેલા નિતિન દેસાઈના એનડી સ્ટુડિયોઝ ખાતે કરવામાં આવ્યું હતું. ફિલ્મના નિર્માતા છે 6’2, વથિયાર અને ઓરમ પો જેવી સુપરહિટ તમિલ ફિલ્મોના સર્જક વી પાલાનિવેલ. નાગમતિ પાંચ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મના હિન્દી અને તમિલ વર્ઝનને શૂટ કરવામાં આવશે જ્યારે કન્નડ, મલયાલમ અને તેલુગુમાં ડબ કરાશે.
આ પિરિયડ ડ્રામામાં મલ્લિકા શેરાવત મહારાણી અને રાજકુંવરીની બેવડી ભૂમિકામાં છે. મહારાણી એના રાજ્યને બચાવવા માટે હિંસા અને ભય (હૉરર)નો ઉપયોગ હથિયાર તરીકે કરે છે. પણ એની આ વ્યૂહ રચના કારગત નીવડે છે ખરી?
રોમાન્ટિક ફિલ્મો માટે જાણીતી મલ્લિકા શેરાવત આ ફિલ્મમાં ઘોડેસવારી, તલવારબાજી કરતી જોવા મળશે. ફિલ્મ અંગે જણાવતા મલ્લિકાએ કહ્યું કે, બે મહિનાથી હું ઘોડેસવારી, તલવારબાજી સહિતની યુદ્ધકળાની તાલિમ લઈ રહી છું. અત્યાર સુધી મેં જેટલી પણ ફિલ્મો કરી છે એના કરતા સાવ અલગ જૉનરની ફિલ્મ છે. એટલું જ નહીં, પહેલી વાર ડબલ રોલ કરી રહી છું એ પણ મા-દીકરીની ભૂમિકા.
ફિલ્મમાં ક્રિકેટરમાંથી એક્ટર બનેલા સલિલ અંકોલાની પણ મહત્ત્વની ભૂમિકામાં છે. સલિલે જણાવ્યું કે એ ફિલ્મમાં મહારાણીના વફાદાર સેવક-સલાહકારનું પાત્ર ભજવી રહ્યો છે. બાહુબલીના કટપ્પા પ્રકારની મારી ભૂમિકા છે. લાંબા અરસા બાદ મને આવી મજેદાર ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો છે. સલિલ હાલ અભિનય ઉપરાંત મુંબઈ ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીમાં પણ છે.
ફિલ્મનું શૂટિંગ કર્જત, મુંબઈ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને રાજસ્થાનના વિવિધ લોકેશન પર કરાશે. એ સાથે ફિલ્મમાં જબરજસ્ત સ્પેશિયલ ઇફેક્ટ પણ જોવા મળશે. વૈદ્યનાથન ફિલ્મ ગાર્ડન બેનર હેઠળ બની રહેલી નાગમતિમાં મલ્લિકા શેરાવત, સલિલ અંકોલા ઉપરાંત તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિખ્યાત કલાકારો જીવન અને વિજયન સત્યા પણ બૉલિવુડમાં પદાર્પણ કરી રહ્યા છે.
Comments 1