મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ઇન્દોર બેન્ચની મધ્યપ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ વિવાદિત પરિસરને ‘માતા સરસ્વતીને સમર્પિત મંદિર’ તરીકે માન્યતા આપી છે. આ નિર્ણય માત્ર ધાર જ નહીં પરંતુ દેશના અન્ય ધાર્મિક વિવાદો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ભોજશાળામાં હિંદુ પૂજાની પરંપરા ક્યારેય સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી અને ઐતિહાસિક દસ્તાવેજો પણ આ સ્થળને રાજા ભોજના સમયમાં સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર તથા દેવી સરસ્વતીના મંદિર તરીકે ઓળખાવે છે. કોર્ટે એ પણ નોંધ્યું કે અહીં સંસ્કૃત શિક્ષણ સાથે જોડાયેલા પુરાવાઓ અને મંદિરના અસ્તિત્વના સ્પષ્ટ સંકેતો મળી આવે છે.
આ મામલામાં પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા કરાયેલા વૈજ્ઞાનિક સર્વેના 2000થી વધુ પાનાના અહેવાલનો પણ મહત્વપૂર્ણ ઉલ્લેખ થયો. ASIના અહેવાલ અનુસાર હાલના માળખા પહેલા અહીં પરમાર રાજાઓના સમયમાં વિશાળ હિંદુ મંદિર હતું અને બાદમાં મંદિરના અવશેષો તથા ભાગોનો ઉપયોગ કરીને હાલનું માળખું ઊભું કરાયું હતું. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે સર્વે દરમિયાન મળેલા શિલાલેખો, મૂર્તિઓ અને સિક્કાઓ મંદિર હોવાના પુરાવા આપે છે.
બીજી તરફ મુસ્લિમ પક્ષે ASIના અહેવાલને પક્ષપાતી ગણાવ્યો અને જણાવ્યું કે રિપોર્ટ હિંદુ પક્ષને સમર્થન આપવા માટે તૈયાર કરાયો છે. ચુકાદા બાદ મુસ્લિમ પક્ષે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવાની જાહેરાત કરી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને મુસ્લિમ સમુદાય માટે ધાર જિલ્લામાં વૈકલ્પિક જમીન ફાળવવા અંગે વિચારવા પણ સૂચના આપી છે, જેથી મસ્જિદનું નિર્માણ થઈ શકે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હવે ભોજશાળામાં હિંદુ રીતિ-રિવાજ મુજબ પૂજા કરવાની મંજૂરી રહેશે અને સ્થળના સંચાલનની જવાબદારી સરકાર સંભાળશે.
આ ચુકાદા પછી ભોજશાળા ફરી એકવાર ઈતિહાસ, આસ્થા અને કાનૂની ચર્ચાનો કેન્દ્ર બની ગઈ છે.






