ખાસ વિમાનમાં અમૃતપાલને દિબ્રુગઢ લઈ જવાયો
રવિવારે સવારે પંજાબ પોલીસે ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ પંજાબ પોલીસને શરણે આવ્યા બાદ એની ધરપકડ કરવામાં આવી હતી. 18 માર્ચથી ભાગતા ફરતા અમૃતપાલ સિંહ 37 દિવસ બાદ આજે સવારે મોગા પોલીસ સમક્ષ શરણે આવ્યો હતો. જોકે પંજાબ પોલીસે દાવો કર્યો હતો કે અમૃતપાલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ પર હત્યા સહિત અનેક કેસ નોંધાયા છે, ઉપરાંત એના પર નેશનલ સિક્યુરિટી ઍક્ટ (એનએસએ) પણ લગાવવામાં આવ્યો છે. દરમિયાન પંજાબ પોલીસ અમૃતપાલને દિબ્રુગઢ લઈ ગઈ છે જ્યાં પંજાબ પોલીસ ઉપરાંત આઈબી, એનઆઈએ દ્વારા પણ પૂછપરછ કરાશે.

પંજાબના કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહે ધરપકડ માટે મોગા જિલ્લાના રોડેવાલા ગામને જ કેમ પસંદ કર્યું? કારણ, આ ગામ જ્યાં ભાગલાવાદી ખાલિસ્તાન આંદોલનના સૌથી મોટા ચહેરા જરનૈલ સિંહ ભિંદરાંવાલેન જન્મ થયો હતો. અહીંજ ભિંદરાંવાલેનું બાળપણ વીત્યું. અમૃતપાલ માટે ભિંદરાંવાલે આદર્શ છે. એ પણ ખાલિસ્તાનની વાતો કરે છે, એના જેવા જ દેખાવાનો પ્રયાસ કરે છે અને ભિંદરાંવાલેની જેમ જ હિંસાની વાતો કરે છે. છેલ્લા દોઢેક મહિનાથી ભાગતા ફરતા અમૃતપાલને ભાગેડુનું લેબલ સહન થતું નહોતું. ભિંદરાંવાલેએ તો યેનકેનપ્રકરેણ અમૃતસરના સુવર્ણ મંદિરમાં શરણ લીધું હતું. અમૃતપાલ પણ એવું જ કંઇક કરવા માગતો હતો. પણ ત્યાં જવું, શરણ લેવું શક્ય નહોતું એટલે પોતાના ગુરુના ગામ જવાનું નક્કી કર્યું.
ખાલિસ્તાનના સપનાં જોઈ રહેલા અમૃતપાલને કોમ સામે પુરવાર કરવું હતું કે એ ભાગ્ડું નથી. ગુરુદ્વારામાં સંગત કરતો એનો વિડિયો વાયરલ થયો છે. એમાં પણ એ ભિંદરાંવાલેની સ્ટાઇલમાં વાત કરતો દેખાય છે. રવિવારે જ્યારે અમૃતપાલની ધરપકડ કરવામાં આવી એ સમયના ફોટામાં હૂબહુ ભિંદરાંવાલે જેવા લૂકમાં હતો. જાણે કે ભિંદરાંવાલેનો ઉત્તરાધિકારી હોવાનો દાવો કરી રહ્યો હોય.
અમૃતપાલના કનેક્શન પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ સાથે હોવાના પ્રારંભિક સંકેત બાદ કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ. અમૃતપાલને લક્ઝુરિયસ કારમાં ફરવાના શોખને કારણે વિદેશથી ફંડ મળતું હોવાની પણ આશંકા હતી. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે અમૃતપાલ સિંહ આઇએસઆઇ દ્વારા પાકિસ્તાનથી હથિયાર મગાવતો હતો. એની મંછા સાંપ્રદાયિકતાના આધારે પંજાબને અલગ કરવાની હતી.
ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ અમૃતપાલ સિંહ 25 સપ્ટેમ્બર, 2022થી ભારતમાં હતો. 2012માં એ દુબઈ ગયો હતો જ્યાં એ એના પિતા તરસેમન સંધુ કાર્ગો કંપનીમાં કામ કરતો હતો. એકદમ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા અમૃતપાલને ભિંદરાંવાલેની કેસેટો સાંભળવાનો શોખ હતો. જ્યાં સુધી એ દુબઈમાં રહ્યો ત્યાં સુધી એ વાળ નાના રાખતો અને પાઘડી પણ પહેરતો નહોતો.
અમૃતપાલ છેલ્લા 4-5 વરસથી સોશિયલ મીડિયા પર ઍક્ટિવ છે અને અવારનવાર લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પંજાબના સિખો સાથે સંકળાયેલા ધાર્મિક, રાજકીય અને સામાજિક મુદ્દે ભાષણ આપતો હતો.






