અગ્રણી ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે જારી કરેલા એક ફતવાને કારણે ઉહાપોહ મચ્યો છે. સહારનપુર પ્રશાસનને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એનસીપીસીઆર)એ પત્ર લખી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દારુલ ઉલુમ દેવબંદની વેબસાઇટમાં ગઝવા-એ-હિન્દને માન્યતા આપતો ફતવો જારી કરવામાં આવ્યો છે. એમાં જણાવાયું છે કે ગઝવા-એ-હિન્દમાં મૃત્યુ પામનારનું બલિદાન મહાન ગણાય છે. ગઝવા-એ-હિન્દને યોગ્ય સાબિત કરવા દારુલ ઉલુમ દેવબંદે સાહિહસીતાના પુસ્તક સુન્નત અલ-નસાઈનો હવાલો ટાંક્યો છે. એક પ્રકરણમાં હઝરત અબુ હુરૈરાહનો હવાલો આપી એક હદીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ગઝવા-એ-હિન્દ અંગે જણાવાયું છે કે હું પોતે ધનદોલત એમાં કુરબાન કરી દઈશ. હું સૌપ્રથમ મહાન બલિદાની બનીશ. પુસ્તકને પ્રકાશિત કરનારી સંસ્થાનું પણ નામ આપવામાં આવ્યું છે.
હકીકતમાં એક શખસે દારુલ ઉલુમ દેવબંદ પાસે ગઝવા-એ-હિન્દ સંબંધિત જાણકારી માગી હતી. જેના જવાબમાં દારુલ ઉલુમ દેવબંદે ગઝવા-એ-હિન્દને યોગ્ય હોવાનું જણાવ્યું હતું. આને પગલે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે ફતવાને દેશ વિરોધી ગણાવી સહારનપુર ડીએમ અને એસએસપીને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.ગઝવા-એ-હિન્દને યોગ્ય ગણાવતા દેવબંદના ફતવાને એનસીપીસીઆરે ગંભીરતાથી લીધો છે. જિલ્લાધિકારીને લખેલા પત્રમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. એનસીપીસીઆરનું કહેવું છે કે દારુલ ઉલુમ દેવબંદ મદરસામાં બાળકોને ભારત વિરોધી શિક્ષણ આપી રહ્યું છે. આને કારણે ઇસ્લામિક કટ્ટરબંધીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. એનસીપીસીઆરએ ફતવાને કિશોર ન્યાય અધિનિયમની કલમ 75નું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું છે. એ સાથે શંકા વ્યક્ત કરી છે કે ફતવાને કારણે દેશ વિરુદ્ધ નફરત ફેલાઈ શકે છે. આવા જોખમી પરિબળોને ધ્યાનમાં લઈ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુંગોએ આ મામલે સહારનપુર ડીએમ અને એસએસપીને પત્ર લખી દારુલ ઉલુમની વેબસાઇટની તપાસ કરવા જણાવ્યું છે. એનસીપીસીઆરના જણાવ્યા મુજબ ફતવા દ્વારા દેશની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે. એટલે વેબસાઇટની તપાસ કરી એને તાત્કાલિક બ્લૉક કરવામાં આવે. એનસીપીસીઆરે જિલ્લા પ્રશાસનને ઍક્શન ન લે તો તેમને જવાબદાર માનવાની પણ ચેતવણી આપી છે. જિલ્લાધિકારી દિનેશચંદ્ર સિંહે જણાવ્યું કે એનસીપીસીઆરનો આદેશ મળ્યો છે. જોકે આ મામલે દારુલ ઉલુમ દેવબંદ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.