માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટરએ તેની પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યા છે જેના પગલા રૂપે ટિ્વટર હવે દિગ્ગજ નેતાઓના અકાઉન્ટ પર કાર્યવાહી કરી રહ્યું છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટરને નાઇજીરિયાના રાષ્ટ્રપતિનું ટ્વીટ ડીલીટ કરવુ ભારે પડ્યુ છે.
આ ઘટના બાદ નાઇજીરિયાની સરકારે દેશમાં ટિ્વટરને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું છે. સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના કોર્પોરેટરોને અપમાનિત કરવા માટે થઈ રહ્યો છે. નિર્ણય અંગે માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે સરકારે ટિ્વટરને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું છે.
નાઇજીરિયાની સરકાર કદાચ ટિ્વટર પરની કાર્યવાહીને કોર્પોરેટ સાથે જોડતી હશે, પરંતુ હકીકત એ છે કે રાષ્ટ્રપતિના ટ્વીટને ડીલીટ કરવાની સાથે જ સરકાર બરાબરની ભડકી હતી. પરિણામે ટિ્વટરને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હકીકતમાં, બે દિવસ પહેલા જ ટિ્વટર દ્વારા રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીના ઑફિશિયલ અકાઉન્ટમાંથી એક ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિએ નિયમોનો ભંગ કર્યો છે.






